જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી પાસે ગઈકાલે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર દડીયા ગામના પ્રૌઢ દંપત્તિને ઈજા થઈ છે, અને બંનેને સારવારમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા ભોજાભાઇ માતંગ નામના 55 વર્ષના મહેશ્વરી મેઘવાર પ્રૌઢ, કે જે પોતાના પત્ની હીરૂબેન માતંગને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર-રાજકોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ઠેબા ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલી જી. જે. 36 આર 8545 નંબરની કારના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ભોજાભાઇ તથા તેમના પત્ની હીરુબેન જે બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવ અંગે ભોજાભાઇ માતંગના પુત્ર હિરેનભાઈ ભોજાભાઇ માતંગે જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના માતા પિતાને ઠોકરે ચડાવી ઈજા પહોંચાડવા અંગે જી.જે. 36 આર 8545 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.