છાલાના યુવાન સાથે લગ્ન કરીને
અમદાવાદના યુવાન સાથે પણ લગ્ન કરી રૃપિયા ચોરી ભાગી હોવાનું ખુલ્યું : વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં રહેતા યુવાન સાથે લગ્ન
કરીને મુંબઈમાં રહેતી લૂંટેરી દુલ્હન ઘરમાંથી દાગીના અને રોકડ મળી ૮.૨૩ લાખની
મત્તા ચોરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવી
છે અને પૂછપરછમાં અમદાવાદની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.
છાલા ગામમાં રહેતા હિરેનભાઈ નવીનચંદ્ર પંડયાને તેમની પત્ની
સાથે છુટાછેડા થઈ જતા ચાર મહિના અગાઉ ફરી વખત લગ્ન કરવા માટે ગુજરાતી બેચલર ડોટ
કોમ નામની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જ્યાં તેમનો સંપર્ક અનન્યા
નામની યુવતી સાથે થયો હતો. ગત ૨૪ જાન્યુઆરીના રોજ અનન્યા મુંબઈથી ટ્રેનમાં બેસીને
અમદાવાદ આવી હતી ત્યારબાદ હિરેનભાઈ તેને ઘરે લઈ આવ્યા હતા અને તેનો ભાઈ રાજુ તેમજ
તેની ભાભી શીતલબેન પણ ઘરે આવ્યા હતા અને ફુલહારથી લગ્ન કરી લીધા હતા. દરમિયાનમાં
૨૦ માર્ચના રોજ સવારના સમયે અનન્યાએ મેડિકલ સામાન લેવા જવા માટે ૩૦૦ રૃપિયા
માંગ્યા હતા. ત્યારબાદ તે સામાન લેવા ગઈ હતી અને પરત ફરી ન હતી અને તેનો ફોન પણ
ઉપાડતી નથી. જેથી હિરેનભાઈને શંકા ગઈ હતી. જોકે ઘરમાં તપાસ કરતા સોનાના દાગીના અને
રોકડ રકમ મળી ૮.૨૩ લાખની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે અવંતિકા
ઉર્ફે અનન્યા, રાજુભાઈ
અને શીતલબેન સામે ગુનો દાખલ કરાવતા પોલીસે તેમની શોધખોળ શરૃ કરી હતી ત્યારે ચિલોડા
પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.આર પરમાર અને તેમની ટીમ દ્વારા છાલા બ્રિજ પાસેથી
અવંતિકા ઉર્ફે અનન્યા ગિરીશકુમાર નેમાલાવાલા રહે પ્રહલાદ એપાર્ટમેન્ટ થાણે, મહારાષ્ટ્ર, મૂળ ગોલાવાડ
ઇન્દ્રપુરા સુરતને ઝડપી લેવામાં આવી હતી. જેની પૂછપરછમાં તે અને તેના ફોઈના દીકરા
રાજુ માળી તથા શીતલ માળી સાથે મળીને આ પ્રકારે યુવાનોને છેતરતા હોવાની કબુલાત કરી
હતી. ચાર દિવસ અગાઉ જ અમદાવાદ ખાતે રહેતા એક યુવાન સાથે જોડી ડોટ કોમ મારફતે
સંપર્કમાં આવીને તેના ઘરમાંથી ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી