મુંબઈ : વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે મેમાં લિબરલાઈઝડ રેમિટેન્સ સ્કીમ હેઠળ રેમિટેન્સિસ ઘટી ૨.૩૦ અબજ ડોલર રહ્યું હતું જે એપ્રિલમાં ૨.૫૦ અબજ ડોલર જોવા મળ્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૫માં આઉટવર્ડ રેમિટેન્સિસની માસિક સરેરાશ ૨.૫૦ અબજ ડોલર રહી હતી જ્યારે નાણાં વર્ષ ૨૦૨૪માં આ આંક ૨.૮૦ અબજ ડોલર જોવા મળ્યો હતો.
સખત વિઝા નીતિ જેને કારણે શિક્ષણ સંબંધિત રેમિટેન્સિસમાં ઘટાડો થયો છે એટલુ જ નહીં ફન્ડ ટ્રાન્સફર ખાસ કરીને ગિફટિંગ રુટ મારફત નાણાંની થતી હેરફેર પર સરકાર સખત નજર રાખી રહી છે.
વિદેશમાં રેમિટેન્સિસ પર ટેકસ કલેકટેડ એટ સોર્સ અને વિદેશમાં પાઠવાયેલા નાણાં જો ૧૮૦ દિવસમાં ન વપરાય તો તે ભારત પરત લાવવાના ધોરણને કારણે પણ રેમિટેન્સિસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત, મ્યુચ્યુઅલ ફન્ડસ દ્વારા વિદેશમાં ઈન્વેસ્ટમેન્ટસ પર મર્યાદાને કારણે પણ વિદેશમાં નાણાં પાઠવવાના માધ્યમો ઘટી ગયા છે.
ભારતીયો દ્વારા વિદેશ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ પ્રવાસ પેટેનો રહ્યો છે.