![]()
ગોધરા, તા.૨૬ મહિસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વાસ્મો કચેરી મહિસાગરના તત્કાલીન કર્મચારી આસિસ્ટન્ટ મેનેજરની કરમસદ ખાતેથી ધરપકડ કરી હતી.
નલ સે જલ યોજનાના રૃા.૧૨૩ કરોડના કૌભાંડની વડોદરા ઝોન સીઆઇડી ક્રાઈમમાં લુણાવાડા વાસ્મો કચેરીના ૧૨ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રારંભમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવ્યા બાદ હવે ધરપકડનો દોર શરૃ કરવામાં આવ્યો છે.
કરમસદ ખાતે હાથ ધરેલા ઓપરેશનમા લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર, ટેકનિકલ શાખાના મૌલેશ હિંગુને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. મહિસાગર જિલ્લાના રૃા.૧૨૩ કરોડના નલ સે જલના કૌભાંડમા સૌ પ્રથમ ઝડપાયેલા આ આરોપી કર્મચારી મૌલેશ હિંગુને સીઆઇડી ક્રાઈમે લુણાવાડા સેશન્સ અદાલત સમક્ષ હાજર કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરાતા અદાલત દ્વારા ૧૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે નલ સે જલ યોજનાના કૌભાંડની લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલિન યુનિટ મેનેજર એ.જી.રાજપરા સહિત ૧૨ કર્મચારીઓ સામે ગુનો દાખલ થતાં કૌભાંડીઓ ફરાર થઇ ગયા હતાં. સીઆઇડીએ ચાર ટીમો બનાવી ઊંડી તપાસ હાથ ધરી છે.










