સગી ભાણેજને ભગાડી જઈ મામાએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, આરોપી મામા અને 4 સહ આરોપીઓની ધરપકડ
રાજકોટ, : વિંછીયા પંથકમાંથી એક તરૂણીનું ખુદ તેના સગા મામાએ અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકાવી દે તેવી આ ઘટનામાં વિંછીયા પોલીસે આરોપી મામાને ઝડપી લઈ તેની ભાણેજને મુક્ત કરાવી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાયલા પંથકમાં આરોપી મામો રહે છે. તેને ચાર સંતાનો છે. વિંછીયા પંથકમાં રહેતી સગી ભાણેજ ઉપર તેની નજર બગડી હતી. આ સ્થિતિમાં ભાણેજને ભગાડી જવા માટે તેણે એક યોજના બનાવી હતી. જે મુજબ તેણે 4 સહ આરોપીઓને પોતાના મોબાઈલમાં એક એન્ટીક ચશ્માનો ફોટો બતાવી કહ્યું કે, આ ચશ્મા પહેરવાથી દિવાલ અને જમીનમાં ઉંડે સુધી બધુ આરપાર દેખાય છે, આ ચશ્મા એક માણસ પાસે છે, ચશ્મા ખરીદવા માટે તેને રૂપીયાના બદલે કોઈ છોકરી આપવી પડશે, જે છોકરી મારી ભાણેજ છે, જેથી તેને ઉપાડવાની છે.
ચારેય સહ આરોપીઓ તેની વાતમાં આવી ગયા હતાં. જેથી ચારેય સહ આરોપીઓ અને આરોપી મામાએ ભેગા મળી ગઈ તા. ૧૭ ફેબુ્રઆરીના રોજ તરૂણીનું બોલેરોમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી તરૂણીને એક સહઆરોપીની વાડીમાં લઈ જવામાં આવી હતી. જયાં તેને બે દિવસ સુધી રાખ્યા બાદ આરોપી મામાએ સહ આરોપીઓને કહ્યું કે, હવે મારી ભાણેજને આપીને હું ચશ્મા લઈ આવું છું.
આ પછી તે તેની ભાણેજને લઈને વાડીએથી નીકળી જામનગર ગયો હતો. ત્યાંથી અમરેલી પરત આવી ગયો હતો. અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાં મકાન ભાડે રાખી ત્યાં ભાણેજ સાથે રહેતો હતો. આ દરમિયાન તેણે જામનગર અને અમરેલીમાં ભાણેજ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
વિંછીયા પોલીસે ચાર સહ આરોપીઓમાં વિનુભાઈ હિરાભાઈ સોલંકી (ઉ.વ. 37), મેરામભાઈ પોપટભાઈ કણોત્રા (ઉ.વ. 40), વલ્લભ બચુભાઈ સાપરા (ઉ.વ. 66) અને બાબુ ર્્ઉર્ફે ટીણો ભુપતભાઈ મકવાણા (ઉ.વ. 31)ને અગાઉ ઝડપી લીધા હતા. આ ચારેય આરોપીઓ બોટાદનાં ગઢડા સ્વામિ તાલુકાનાં વતની છે.
જો કે આરોપી મામાનો પત્તો લાગતો ન હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મામાએ સહ આરોપીઓ પાસેથી એન્ટીક ચશ્મા અપાવવાના બહાને અત્યાર સુધીમાં રૂા. 15થી 2- લાખ પડાવ્યા હતાં. સહ આરોપીઓ પણ આ એન્ટીક ચશ્મા લાખોની કિંમતે લઈ કરોડોમાં વેચવાના સપના જોતા હતાં. જેને કારણે આરોપી મામાની વાતમાં આવી ગયા હતાં અને તેને પૈસા આપી દીધા હતાં. એટલું જ નહીં તેના કહેવાથી તેની સગી ભાણેજનાં અપહરણમાં પણ ભુમીકા ભજવી હતી. આ કેસમાં હવે પોકસોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.