– 250 લોકોના પીવાના પાણી માટે રઝળપાટ
– લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર : 2023 માં મંજૂર કરાયેલા 6 પૈકી 5 સંમ્પ બનાવ્યા જ નથી
કઠલાલ : કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટ ગામે ભર ચોમાસામાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. ગામના લોકો સ્વખર્ચે ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. જેના પગલે તાકિદે પાણીની સમસ્યા હલ કરવાની માગણી ઉઠી છે.
કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટ અમદાવાદ- ઇન્દોર હાઇવેથી એક કિલોમીટરની અંતરે આવેલું છે અને ગામમાં ૨૨૫થી ૨૫૦ની વસ્તી થઇ છે. આ ગામમાં સપ્તાહમાં માત્ર એક દિવસ ચાર કલાક જ પાણી વિતરણ થાય છે. પાણી પુરવઠા વનોડા જૂથને બંધ કરી ખેરાનામુવાડા નવો સંપ બન્યો નથી. કપડવંજ લસુન્દ્ર સુધારણા જૂથ પાણી પુરવઠા પ્રથમ કાપડીવાવથી પમ્પિંગ થઇ દાણા, બાજકપુરા, કઠાણા ગામ બાદ રામપુરાલાટમાં આવે છે.
આ બાબતે કઠાણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. છ સમ્પ ૨૦૨૩માં મંજૂર થયા છે. પરંતુ હાલમાં એક સંમ્પ કાર્યરત છે. પરા વિસ્તારના ૫ સંમ્પની કામગીરી હાથ ધરાઇ નથી. અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નંબાઇ નથી. જેના કારણે સપ્તાહમાં પાણી એક વખત ગમે તે દિવસે જાણકારી વગર પાણી આપવામાં આવે છે.
રામપુરા લાટના રહિશો બાજકપુરાથી બોર મારફતે રૂ. ૨૦૦ ખર્ચીને પાણી લાવવા મજબૂર બન્યા છે. આ મામલે પાણીની સમસ્યાનો કાયમી હલ કરવાની માગણી કરવામાં આવી છે.