– કોઇ પણ દસ્તાવેજની નકલ થઇ શકે : સુપ્રીમ
– વેરિફિકેશનમાં આધાર અને ચૂંટણી કાર્ડનો પણ સમાવેશ કરવા ચૂંટણી પંચને સુપ્રીમની સલાહ, આજે જવાબ આપવો પડશે
પટણા : બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, આ પ્રક્રિયાને અટકાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જોકે સુપ્રીમે આ માગણી ફગાવી હતી પરંતુ ચૂંટણી પંચને એવી સલાહ આપી હતી કે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન મતદારોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ ધ્યાનમાં લેવામાં આવે.
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, જે પહેલા ચૂંટણી પંચ દ્વારા ઘરે ઘરે જઇને તમામ મતદારોનું વેરિફિકેશન કરાઇ રહ્યું છે જોકે તેમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ રાશન કાર્ડને પુરાવા તરીકે સામેલ નથી કરાઇ રહ્યા તેવા દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે પણ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે આધાર, રાશન અને ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ છે નાગરિકતાનું પ્રમાણ નથી. હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે આધાર કાર્ડ અને મતદાર કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે.
અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે આધાર, રાશન કાર્ડ બનાવટી પણ હોઇ શકે છે તેથી તેના પર પુરતો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ચૂંટણી પંચના આ જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ દસ્તાવેજ એવો નહીં હોય કે જેની નકલ ના થઇ શકે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે જે ૧૧ દસ્તાવેજો વેરિફિકેશન માટે પસંદ કર્યા છે તેનો આધાર શું છે? બાદમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડને પણ આ દસ્તાવેજોમાં સામેલ કરવા ચૂંટણી પંચને કહ્યું હતું. હવે આ મામલે ચૂંટણી પંચ દ્વારા મંગળવાર સુધીમાં જવાબ આપવાનો રહેશે. મતદાર વેરિફિકેશનની પ્રક્રિયા ૯૯ ટકા જેટલી પુરી થઇ ગઇ છે. એવામાં મતદાર યાદી પ્રકાશન પર પ્રતિબંધની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી છે.