વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીેમાં ટીવાયનું શિક્ષણ કાર્ય શરુ થયે એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં હજી સુધી વિષય પસંદગીના અભાવે વિદ્યાર્થીઓની ફી ભરાઈ જ નથી.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઓનર્સ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આ ત્રીજું વર્ષ છે.જેમાં વિદ્યાર્થીઓએ ત્રણ મેજર અને બે માઈનોર એમ પાંચ વિષયોની પસંદગી કરવાની હોય છે.યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે વિષયોની ઓનલાઈન પસંદગી વિદ્યાર્થીઓ કરે તે પછી જ તે ફી ભરી શકે છે.
કોમર્સ, આર્ટસ, સાયન્સ એમ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં વિષય પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ નથી. તે પહેલા જ વિદ્યાર્થીઓના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ ઓનલાઈન વિષય પસંદગી બાકી હોવાથી ફી ભરાઈ નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને રેલવે પાસ, બસ પાસ કઢાવવામાં, હોસ્ટેલ પ્રવેશમાં અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ વિષયો પર સેમિનાર યોજીને તેના અમલની સમીક્ષા કરી રહ્યા છે અને બીજી તરફ શિક્ષણ નીતિના યોગ્ય અમલના અભાવે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.જ્યાં સુધી ફી નહીં ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ પણ નહીં મળે.
વિદ્યાર્થીઓ ગમે તે વિષયના લેકચર એટેન્ડ કરે છે
વિષય પસંદગી વગર વર્ગો શરુ થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓ એક સપ્તાહ માટે કોઈ એક વિષયના વર્ગમાં બેસે છે તો એક સપ્તાહ માટે અન્ય કોઈ વિષયના લેકચર એટેન્ડ કરે છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ કયા વિષય પસંદ કરે છે તેની રાહ જોયા વગર જ મહત્તમ લેકચર એકાઉન્ટ વિષય માટે ફાળવી દેવામાં આવ્યા છે.આ સંજોગોમાં અન્ય વિષયોના અધ્યાપકોનો વર્કલોડ ઓછો થઈ જાય તેવી પણ શક્યતા છે.