– કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા કામના 48 ઠરાવને મંજૂરી અપાશે
– આંગણવાડી, પેવીંગ બ્લોક સહિતના વિકાસના કામને બહાલી અપાશે
ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આગામી ગુરૂવારે મળશે, જેમાં મહાપાલિકાના ફિકસ પગારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવુ, વિકાસના કામને મંજૂરી આપવી સહિતના જુદા જુદા કામના ઠરાવને બહાલી અપાશે.
મહાપાલિકાના હોલ ખાતે આગામી તા. ૩૧ જુલાઈને ગુરૂવારે સાંજે ૪ કલાકે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળશે. આ બેઠકમાં કુલ ૪૮ ઠરાવને બહાલી આપવામાં આવશે, જેમાં મહાપાલિકાના ફિકસ પગારના કર્મચારીઓને નિમણુંક તારીખથી ૧ર વર્ષ પુરા થયેથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે શરતમાં ફેરફાર કરવા નિર્ણય કરાશે. મહાનગરપાલિકાને પ્રાત્ય થયેલ અમૃત ગ્રાન્ટ, નીર્મલ ગુજરાત ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા સરકારમાંથી પ્રાપ્ત થયેલ અન્ય ગ્રાન્ટ અન્વયે અંદાજીત રૂા. ૪.૫૪ કરોડનાં ખર્ચથી વિકાસના કામને મંજૂરી અપાશે, જેમાં કાળીયાબીડ વોર્ડમાં સ્વસ્તિક સોસાયટીના કોમન પ્લોટમાં આંગણવાડી બનાવવાનુ કામ, શહેરના જુદા જુદા વિસ્તારમાં પેવીંગ બ્લોક નાખવાનુ કામનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આશરે ૧૦ રહેણાંકીય લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી, કર્મચારીને આર્થિક સહાય આપવી સહિતના ઠરાવ મંજૂર કરવામાં આવશે. આ બેઠકમાં પડતર પ્રશ્ને પણ સમીક્ષા થશે તેમ જણાય રહ્યુ છે.
ભાવનગર એરપોર્ટ રોડ પર રૂા. 1.30 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ કરાશે
ભાવનગર શહેરના મહિલા કોલેજ ટૂ ભાવનગર એરપોર્ટ ૧૮ મીટર વાઈડ અને ૧.પ કિલોમીટર લોન્ગ આઈકોનિક રોડ પર બ્યુટીફિકેશનનુ કામ રૂા. ૧,૩૦,૦૪,૮૮૧ ખર્ચે કરવામાં આવશે. આ કામ એજન્સી જે.ડી.કન્સ્ટ્રકશન પાસે કરાવવામાં આવશે અને ખરેખર થતી કામગીરી મુજબ ચુકવણું કરવાની શરતે વર્ક ઓર્ડર તારીખથી ૬ માસની સમય મર્યાદામાં કામ કરવાનુ રહેશે.
મહાપાલિકાના બિલ્ડીંગમાં 27 સ્થળ પર વરસાદી પાણીના રીચાર્જીંગ સ્ટ્રક્ચર બનાવાશે
ભાવનગર શહેરમાં મહાપાલિકા હસ્તકની બિલ્ડીંગોમાં ર૭ સ્થળ પર રેઈન વોટર હાર્વેસ્ટીંગ કરવા વરસાદી પાણીના રીચાર્જીંગ સ્ટ્રક્ચર બનાવવાનુ કામ રૂા. ૯પ,૪૮,૯૧૮ ખર્ચે કરવામાં આવશે. આ કામ એજન્સી સંદીપ એન. પટેલ કરશે અને આ કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ર૦ર૪-રપ ની ગ્રાન્ટ હેડે પાડવાની મંજૂરી આપવા નિર્ણય કરાશે.