મહિલા અને યુવકને ઈજા પહોંચી
બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત પાંચ વિરૂદ્ધ ગુનો દાખલ
ભાવનગર: શહેરના કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં પાડોશી વચ્ચે થયેલા ઝઘડા બાદ મારામારીની સામ સામી ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં બન્ને પક્ષના કુલ પાંચ લોકો સામે ગુનો નોંધાયો છે.
શહેરના કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં રહેતા ભગતભાઈ જીકુભાઈ વેગડે બોરતળાવ પોલીસ મથકમાં સંગીતાબેન ભરતભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના નાના ભાઈના છોકરા અને ઉક્ત સંગીતાબેનના છોકરાઓ રમતા-રમતા ઝઘડો કરતા હતા. જેથી ઉક્ત સંગીતાબેને તેમના ભાઈના પત્નિ સાથે ઝઘડો કરતા હોય જેમને સમજાવવા જતા તેમણે ઈંટના ટુકડા મારી ઈજા પહોંચાડી ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે સંગીતાબેન ભરતભાઈ ચુડાસમાએ મનીષાબેન ભગતભાઈ, ભગત વિરજીભાઈ ચુડાસમા, કાજલબેન રાજુભાઈ અને રાજુ વિરજીભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની દિકરી દુકાનેથી આવી રહી હતી ત્યારે ઉક્ત કાજલબેને ‘કેમ સામા જવાબ આપે છે’ તેમ કહી ધોકો ઉગામ્યો હતો. જેને તેમણે ધોકો ઉગામવાની ના પાડતા તેમને અપશબ્દો કહી ઉક્ત લોકોએ ઢીકાપાટું અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે બોરતળાવ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે.