– તપાસ કરી સત્વરે કાર્યવાહી કરવા માંગણી
– પ્રદૂષણ ફેલાવા સાથે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતો સહિત લોકોને હાલાકી
કપડવંજ : કપડવંજ તાલુકામાં બેરોકટોક સરકારી મંજૂરી વગર ગેરકાયદે ચાલી રહેલા ઈંટવાડાના લીધે પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તંત્ર દ્વારા તપાસ કરી ગેરકાયદે ઈંટવાડા બંધ કરાવવા માંગણી ઉઠી છે.
કપડવંજ તાલુકામાં જગડુપુર, હેમતાજીના મુવાડા, ગોહિલના મુવાડા, નાની ઝેર, માંડવાના મુવાડા, ઝંડા, ડોડીયાપુર, ફુલજીના મુવાડા, નીકોલ આંતરસુબાથી વાઘાવત તેમજ ખડાલ તરફના રોડ પર બેરોકટોક ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. છતાં કોઈ પગલા લેવામાં નહીં આવતા ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. છેલ્લા ઘણા વર્ષથી ઈંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગના કોઈપણ પરવાનગી વગર ચાલી રહ્યા છે. ઈંટના ભઠ્ઠાઓને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતો બેકાર બન્યાં છે. ત્યારે કપડવંજમાં પ્રદૂષણ ફેલાવી નિયમ વિરુદ્ધ ઠેરઠેર ઉભા થઈ ગયેલા ઈંટવાડા કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે તપાસનો વિષય છે. ખેતી લાયક જમીનો અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા કાચા ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્ર ચૂપ છે. આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાવી રહેલા ઈંટના ભઠ્ઠાઓ સામે ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા તપાસના અભાવે બેરોકટોક ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા સત્વરે પગલા નહીં લેવાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે.
ઓનલાઈન કોઈ મંજૂરી લેવાઈ નથી, તપાસ કરાશે : મામલતદાર
ભૂસ્તર વિભાગના અધિકારી ચંદ્રેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારે ૧૦ લાખથી વધુ ઈંટો પકવતા હોય તેમની પાસે રોયલટી વસુલવાની હોય છે. જ્યારે મામલતદાર નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ઈંટવાડાની મંજુરીની ઓનલાઇન કોઈ પરમિશન નથી લીધેલી. ઉપરાંત આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.