Former Governor Of J&K Satyapal Malik Death: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકનું આજે નિધન થયુ છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસિપ્ટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં. તબિયત વધુ બગડતાં 11 મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
સત્યપાલ મલિકે ઓગસ્ટ, 2018થી ઓક્ટોબર,2019 સુધી જમ્મુ-કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પાંચ ઓગસ્ટ, 2019ના રોજ અનુચ્છેદ 370 રદ કરવામાં આવી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરાયો હતો. આ નિર્ણયની આજે છઠ્ઠી વર્ષગાંઠ છે. અને આ દિવસે જ સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા છે.
યુનિવર્સિટીમાંથી રાજકારણમાં ઝંપલાવ્યું
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવદા ગામમાં 24 જુલાઈ, 1946ના રોજ સત્યપાલ મલિકનો જન્મ થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન અને બાદમાં એલએલબીની ડિગ્રી હાંસલ કરી હતી. 1968-69માં મેરઠ યુનિવર્સિટીના સ્ટુડન્ટ વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી. ત્યારથી તેઓની રાજકારણમાં કારકિર્દી શરૂ થઈ હતી.
અગાઉ તેમના નિધનની ફેલાઈ હતી અફવા
ગતમહિને જ 8-9 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર સત્યપાલ મલિકના નિધનની અફવાઓ ફેલાઈ હતી. જેના પર પૂર્ણવિરામ મૂકતાં તેમના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ વિશે માહિતી આપવામાં આવી હતી કે, આદરણીય પૂર્વ ગવર્નર ચૌધરી સત્યપાલ સિંહ મલિક હાલ આઈસીયુમાં દાખલ છે. વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. અફવાઓથી દૂર રહો – કંવરસિંહ રાણા, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના અંગત સચિવ.