રાજકોટમાં ખુદ સરકારી તંત્રોની જ ટેક્સ ભરવામાં ડાંડાઈ
પોલીસ, બીએસએનએલ, પીડબલ્યુડી, કલેક્ટર ઓફિસ, રેલવે, સમરસ હોસ્ટેલ, પા.પૂ.બોર્ડ પાસે ૯૮ કરોડ બાકી
અગાઉ કુલપતિની ચેમ્બર સીલ કરવા કાર્યવાહી થઈ ત્યારે કલેક્ટર વચ્ચે પડયા, ખુદ કલેક્ટર કચેરીનો રૂ।.૧૧ કરોડનો મિલ્કતવેરો બાકી
રાજકોટ: રાજકોટમાં આશરે ૫.૭૦ લાખ મિલ્કતોમાંથી આજ સુધીમાં ૩.૫૯ લાખ મિલ્કતધારકોએ મનપાને ટેક્ષ ચૂકવી દીધો છે અને ૨ લાખથી વધુ કરદાતાઓ તો વર્ષોથી નિયમિત એડવાન્સમાં જ ટેક્સ ભરી દેતા હોય છે. આમ, લોકો ટેક્સ ભરવામાં પ્રમાણિક અને નિયમિત છે, ઘટાડવાની ચેષ્ટા પણ કરતા નથી ત્યારે ખુદ રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓ જ મનપાને ટેક્સ ભરવામાં ઢીલાશ દાખવતી હોવાનું બહાર આવ્યું છે. મનપાના ચોપડે બાકીદાર નં.૧ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે રૂ।.૧૮.૧૦ કરોડનો વેરો ચડત થઈ ગયો છે અને તેણે એક રૂપિયો હજુ ભર્યો નથી અને આ સહિત ૮ સરકારી બાકીદારો પાસે રૂ।.૯૮ કરોડનો ટેક્સ ચડત થઈ ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વારંવાર નોટિસો છતાં ટેક્સ નહીં ભરતા થોડા સમય પહેલા મનપાની ટેક્સબ્રાન્ચ દ્વારા સામાન્ય નાગરિક સામે જે પગલા લેવાય છે તે મૂજબ યુનિ.ના કુલપતિની ઓફિસ સીલ કરવા સ્ટાફ ધસી ગયો હતો પરંતુ, રાજકીય દબાણ પછી કલેક્ટરે વચ્ચે પડતા સીલીંગની કાર્યવાહી અધુરી છોડી દેવાઈ હતી.
બીજી તરફ ખુદ કલેક્ટર ઓફિસ ઉપર જ બાકી વેરો રૂ।.૧૩.૪૮ કરોડ પહોંચી ગયો હતો જેમાં તાજેતરમાં મનપા દ્વારા ઉઘરાણી બાદ રૂ।.૨ કરોડ ભરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ, પાણીપૂરવઠા બોર્ડ, માર્ગ મકાન વિભાગ, રેલવે, બી.એસ.એન.એલ.(ટાવર માટેના) , સમરસ હોસ્ટેલ વગેરે પાસે રૂ।.૯૮ કરોડનો વેરો આજની સ્થિતિ મૂજબ હજુ ભરાયો નથી પણ આમ નાગરિકના મકાનો,દુકાનો સીલ કરતી મનપા અહીં કડક પગલા લેતી નથી. ઉલ્લેખનીય છે કે મનપાનો ટેક્સ લક્ષ્યાંક આ વર્ષે રૂ।.૪૫૦ કરોડ છે જે સામે હજુ ૨૬૩ કરોડની વસુલાત વળતર યોજનાથી થઈ છે.
– રાજકોટ મનપાના સરકારી બાકીદારો અને બાકી ટેક્સ
રાજકોટ: મનપા સૂત્રો અનુસાર નીચે સરકારી કચેરીઓમાં મુખ્ય બાકીદારો નીચે મૂજબ છે.
કચેરી |
બાકી રકમ કરોડ |
૧.સૌ.યુનિ. |
૧૮.૧૦ |
૨.સમરસ હોસ્ટેલ |
૧૪.૭૧ |
૩.પી.ડબલ્યુ.ડી. |
૧૩.૫૯ |
૪.બીએસએનએલ |
૧૩.૪૨ |
૫.કલેક્ટર ઓફિસ |
૧૩.૪૮ |
૬.શહેર પોલીસ |
૧૨.૦૦ |
૭.રેલવે |
૧૦.૫૯ |
૮.પા.પૂ.બોર્ડ. |
૩.૬૦ |
કૂલ |
૯૮ કરોડ |