Bhavnagar News : ભાવનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના ફેસબુક પર ‘બીજેપી હટાવો દેશ બચાવો’ પોસ્ટ લખાઈ હતી, જેના પગલે વિવાદ થયો હતો. આ પોસ્ટ થોડીવારમાં ડિલીટ કરી નાખવામાં આવી હતી. પરંતુ તેનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે.
‘બીજેપી હટાવો દેશ બચાવો…’, ભાજપના નેતાની પોસ્ટ વાઈરલ
ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક એકાઉન્ટ પર આજે ગુરૂવારે (7 ઓગસ્ટ) ભાજપ વિરૂધ્ધની પોસ્ટ લખાઈ હતી. આ પોસ્ટ આશરે 15 મિનિટમાં જ ડિલીટ કરી નાખવામાં આવી હતી. પરંતુ આ પછી પોસ્ટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં અનેક સવાલો ઉઠયા હતા.
વાઈરલ ફેસબુક પોસ્ટ મામલે યોગેશ બદાણીએ જણાવ્યું હતું કે, ‘મારુ ફેસબુક એકાઉન્ટ હેક થયુ છે, મે પોસ્ટ લખી નથી અને આ બાબતનો મને ખ્યાલ આવતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.’ જ્યારે
શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પક્ષથી નારાજ છે કે ખરેખર તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું? તેને લઈને ભાજપ કાર્યકરોમાં ચર્ચાનો દૌર જામ્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં મતદારોની મોટાપાયે હેરાફેરીનો આરોપ, મતદાર યાદી તાત્કાલિક સુધારણાની કોંગ્રેસની માગ
ભાવનગર શહેર ભાજપમાં વિવાદનો દૌર યથાવત
ભાવનગર શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કરચલીયા પરા વોર્ડના ભાજપના ચાર નગરસેવકોએ કાયદો-વ્યવસ્થાની બાબતે ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ મેયરે વોટસઅપમાં પોસ્ટ લખતા વિવાદ થયો હતો અને હવે ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખના ફેસબુક પર ભાજપ વિરૂધ્ધ પોસ્ટ લખાતા વિવાદ સર્જાયો છે.