સરગાસણમાં આવેલી નમો નારાયણ વસાહતમાં
ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો ઃ ઇન્ફોસિટી પોલીસ દ્વારા વસાહતના રહીશ સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી નમો નારાયણ વસાહતમાં
મિત્રને લેવા માટે આવેલા યુવાન ઉપર વસાહતના રહીશ દ્વારા લાકડી વડે હુમલો કરવામાં
આવ્યો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ સંદર્ભે તેની
ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
નજીક આવેલા પોર ગામમાં રહેતા યુવાન નીલ વિજયકુમાર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે, ગઈકાલે
બપોરના સુમારે તે તેના મિત્રો અરુણ સુથાર અને કૃષ્ણકાંત રાણા સાથે નમોનારાયણ
એપાર્ટમેન્ટ્સમાં ગયા હતા. તેઓએ એપાર્ટમેન્ટના ગેટ પર એન્ટ્રી કરી અને એચ-બ્લોકના
પાકગમાં કૃષ્ણકાંતની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે, એક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ તેમની પાસે આવ્યા
હતા અને પૂછયું હતું કે તેઓ ત્યાં કેમ આવ્યા છે. નીલ પટેલે તેમને જણાવ્યું હતું કે
તેઓ તેમના મિત્ર કૃષ્ણકાંતની રાહ જોઈ રહ્યા છે, જે કપડાં બદલવા ગયો છે અને તેઓએ ગેટ પર એન્ટ્રી પણ કરી છે.
તે પછી તે વ્યક્તિએ તેમની સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૃ કરી હતી. એટલું જ નહીં આ
શખ્સ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પાસેથી લાકડી લઈને નીલ પટેલના ડાબા હાથની કોણી અને
પંજાની વચ્ચેના ભાગ પર માર માર્યો હતો. જેનાથી તેને ઈજાઓ પહોંચી હતી. આ વ્યક્તિએ
ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઝઘડા દરમિયાન, કૃષ્ણકાંત
ઘટનાસ્થળે આવી ગયો હતો અને વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. ઘાયલ યુવાનને સારવાર
માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિ
નમો નારાયણ વસાહતમાં રહેતા દિગ્વિજયસિંહ કૃષ્ણસિંહ ચાવડા છે. જેના આધારે તેની સામે
ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.