જિલ્લાના સાંતેજ,
કલોલ અને ગાંધીનગરમાં
એલસીબી ટુની ટીમ એક સાગરિતને પકડી પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો ઃ અન્ય સાતની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના સાતેજ અને કલોલ વિસ્તારમાં ધાડ અને ઘરફોડ
ચોરીના ગુનાઓ આચરતી ઉંદરની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ ગાંધીનગર એલસીબી ટુની
ટીમ દ્વારા કરી દેવામાં આવ્યો છે અને એક સાગરીતને પકડી પાંચ ગુનાઓનો ભેદ ઉકેલવામાં
આવ્યો છે જ્યારે તેના અન્ય સાત સાગરીતોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ વધતી જતી ગુનાખોરીને પગલે મેન્ટર પ્રોજેક્ટ
હેઠળ વારંવાર ગુનાઓ આચરતા આરોપીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી
છે ત્યારે ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવને જિલ્લા પોલીસ વડા રવિ તેજા
વાસમશેટ્ટી દ્વારા ગાંધીનગર જિલ્લામાં પણ અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે એલસીબી ટુ
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમારને સુચના આપી હતી. જેના પગલે ટીમ દ્વારા ગુનાના
સ્થળેથી પ્રાપ્ત સીસીટીવી ફૂટેજ,
ટેકનિકલ વિશ્લેષણ, અને
હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ મેળવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં
આરોપીઓ ‘ચડ્ડી
બનીયાન‘ પહેરીને
ગુના આચરતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગ દાહોદ જિલ્લાના ઉંડાર ગામની કુખ્યાત
મોહનિયા ગેંગ હોવાનું જણાયું હતું.આ માહિતીના આધારે, એલસીબી-૨ની બે ટીમો દાહોદ જિલ્લામાં મોકલવામાં આવી હતી.
ત્યાં ટીમોએ સ્થાનિક હ્યુમન સોર્સને સક્રિય કરીને અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા
શારીરિક નિશાનો અને પહેરવેશના આધારે તપાસ કરી હતી. આ તપાસમાં બે વર્ષ પહેલા
પલોડીયા ગામમાં થયેલી ધાડના ગુનામાં સંડોવાયેલા કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઈ
મોહનિયાની ઓળખ થઈ હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી કે કલ્પેશ મોહનિયા ચિલોડા સર્કલ
પાસે તેના કોઈ સગા-સંબંધીને મળવા આવવાનો છે. આ માહિતીના આધારે ચિલોડા ખાતે આરોપીને
ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન,
કલ્પેશ મોહનિયાએ તેની ગેંગ સાથે બે વર્ષ પહેલા પલોડીયા ગામમાં ધાડ પાડી હોવાની
અને ગાંધીનગર શહેર અને કલોલના વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.
જેમાં ગાંધીનગર જિલ્લાના પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
મજૂરી માટે આવતા સગા ભેગા થઈને રાત્રે ચોરીઓ કરવા નીકળતા
આ ગેંગમાં આશરે આઠથી દસ સભ્યો છે, જેઓ એક જ
કુટુંબના અને સગા-સંબંધીઓ છે. તેઓ દિવસ દરમિયાન મજૂરી કામના બહાને બંધ મકાનો અને
બંગલાઓને નિશાન બનાવે છે અને રાત્રે ચડ્ડી બનીયાન પહેરી, ચહેરા પર રૃમાલ
બાંધી, લોખંડના
સળિયા જેવા સાધનો સાથે ચોરી કરે છે. જો કોઈ પ્રતિકાર કરે તો તેઓ જીવલેણ હુમલો કરી
ફરાર થઈ જાય છે. કલ્પેશ મોહનિયાનો ગુનાહિત ઈતિહાસ પણ છે, જેમાં દાહોદ, વડોદરા, સુરત અને દમણના
વિવિધ ગુનાઓનો સમાવેશ થાય છે.