Image: Instagram @faisal_patel_official |
Faisal Patel Criticized Congress: શશિ થરૂર બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે ખુલીને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. ફૈઝલ પટેલે કહ્યું કે, આપણો દેશ સશસ્ત્ર દળોના કારણે સુરક્ષિત હાથોમાં છે. નરેન્દ્ર મોદી, એસ. જયશંકર, અમિત શાહ, રાજનાથ સિંહ અને શુધાંશુ ત્રિવેદી જેવા નેતા જે હાલ દેશ ચલાવી રહ્યા છે, તે સખત મહેનત કરી રહ્યા છે. આપણી સામે મોંઘવારી, બેરોજગારી અને અન્ય સમસ્યા છે, પરંતે જે નેતા છે તે સારૂ કામ કરી રહ્યા છે.
કોંગ્રેસ દિશાહીન પાર્ટી
ફૈઝલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસની ખુદની અલગ દુનિયા ચાલે છે. તે દિશાહીન છે. ભાજપની ખાસિયત એ છે કે તે સંપૂર્ણ કંટ્રોલ રાખવા ઈચ્છે છે અને દર બીજી રાજકીય પાર્ટીને ખતમ કરી દેવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટી હોય કે કોઈ અન્ય દરેક ભાજપથી ડરે છે.’
આ પણ વાંચોઃ ‘મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે’, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
એક ન્યૂઝ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ફૈઝલ પટેલે કહ્યું કે, ‘રાહુલ ગાંધી એક મહેનતી નેતા છે. કોંગ્રેસમાં શશિ થરૂર, ડી. કે શિવકુમાર, રેવંત રેડ્ડી, દીપેન્દ્ર હુડ્ડા અને સચિન પાયલટ જેવા ખૂબ જ પ્રતિભાશાળી, બુદ્ધિમાન અને સક્ષમ નેતા છે. પરંતુ, પાર્ટીમાં આંતરિક તકલીફો છે અને મારૂ માનવું છે કે, પાર્ટીને ચલાવનારા વરિષ્ઠ નેતાઓને યોગ્ય સલાહ આપવામાં નથી આવતી. તેમના સલાહકાર સારૂ કામ નથી કરી રહ્યા અને વરિષ્ઠ નેતાઓની સલાહ પર ધ્યાન આપવામાં નથી આવતું.’
નરેન્દ્ર મોદીના કર્યા વખાણ
ફૈઝલ પટેલે કહ્યું કે, ‘હું કોંગ્રેસનો ભાગ છું અને પાર્ટીની ઘણી વાતો પર મારી અસંમતિ છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ આપણા દેશને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગાર્યો છે અને તેમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વનું યોગદાન છે. એસ. જયશંકર માટે મારા મનમાં ખૂબ સન્માન છે અને જે પ્રકારે વડાપ્રધાન મોદી પોતાની સરકાર ચલાવી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે.’
આ પણ વાંચોઃ ગરીબો માટે બનેલી યોજનામાં મળતિયાઓને લાભઃ 1 કરોડ શ્રમિકો ચોપડે નોંધાયા પણ કામ ફક્ત 13 લાખને જ મળ્યું
ભાજપમાં જોડાશે ફૈઝલ પટેલ?
ભાજપમાં જોડાવાને લઈને કરવામાં આવેલા સવાલ પર ફૈઝલ પટેલે કહ્યું કે, ‘આવું જરાય નથી અને મારે હજુ લોકોની સેવા કરવાની છે. મારા પિતાનું માનવું હતું કે, તમારે લોકોની સેવા માટે રાજકારણમાં આવવાની જરૂર નથી. વર્ષ 2024માં અમારી બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવી, ત્યારે મેં અને મારી બહેને પાર્ટી પાસેથી ટિકિટની આશા રાખી હતી. જોકે, બાદમાં પાર્ટી એ બેઠક ગુમાવવી પડી.’
તેમણે કહ્યું કે, મેં ક્યારેય કોંગ્રેસ નથી છોડી અને આજે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મારા સારા સંબંધ છે. પરંતુ, કોંગ્રેસે મને તક ન આપી. જોકે, પહેલા મેં મારા પિતાજી સિવાય સૈમ પિત્રોદા, ગુરદીપ સપ્પલ જેવા અનેક નેતાઓ સાથે કામ કર્યું છે. આ પાર્ટીનું નુકસાન છે કે, તેઓ એક યુવા નેતાનો ઉપયોગ નથી કરતા. જોકે, હું લઘુમતી, ક્ષેત્રીય પાર્ટી, વિદેશોમાં વસેલા ભારતીય સમુદાય વચ્ચે કોંગ્રેસની પહોંચને વધારવા માટે પાર્ટીની મદદ માટે તૈયાર છું.’