ડાયરા મુદ્દે થયેલા વિવાદનું ગીર પંથકમાં અનુસંધાન
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ૧૨-૧૫ શખ્સોએ રિવોલ્વરનાં નાળચે ધમકાવી ચેઇન અને રોકડ લૂટી લીધાનું આળ, પોલીસે તપાસ આદરી
તાલાલા: અમદાવાદ નજીકના સનાથળમાં રહેતો એક યુવાન તેના મિત્રો સાથ કારમાં ચિત્રોડ નજીકના રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની આગળ અને પાછળથી કારને ઠોકર મારી દેવાયત ખવડ સહિત ૧૨-૧૫ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી યુવાનના હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું અને રિવોલ્વર બતાવી મારી નાખવા ધમકી આપી સોનાનો ચેઇન અને ૪૨-૪૩ હજાર રૂપિયા લૂંટ કરી નાસી ગયા હતા. ભોગ બનનાર યુવાને લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને શખ્સોએ આ હુમલો અને લૂંટ કર્યાનું જણાવ્યું હતું. આ અંગે તાલાલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધુ્રવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબુ્રઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધુ્રવરાજસિંહ ચૌહાણ ગઈકાલે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં આવ્યો હતો. પોતે ગીરમાં હોવાનું સ્ટેટ્સ મૂક્યું હતું. આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ધુ્રવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ તરફ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કારના ચાલકે ધુ્રવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. આથી કિયા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત ૧૨-૧૫ શખ્સો પાઇપ, ધોકા લઈ ઉતર્યા હતા. આ શખ્સોએ કારના તોડફોડ કરી ધુ્રવરાજસિંહને આડેધડ માર માર્યો હતો.
જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ધુ્રવરાજસિંહે ઉપરોક્ત વિગતો વર્ણવતાં આ અંગે વધુમાં જણાવ્યું હતું કે દેવાયત ખવડ સહિતના શખ્સોએ મો પર બુકાની બાંધી હતી. દેવાયત ખવડના મો પરથી કપડું છૂટી જતા હું તેમને ઓળખી ગયો હતો. તેણે માર મારી રિવોલ્વર બતાવી ‘આ બે નંબરની રિવોલ્વર તારા માટે જ લીધી છે, કેસ કર્યો છે તો ભડાકે દઈ દઈશ’ એવી ધમકી આપી હતી. ધુ્રવરાજસિંહના મિત્રોએ વીડિયો ઉતારતા તેને પણ ધમકી આપી હતી. બાદમાં આ શખ્સો ૧૫-૧૭ તોલાનો સોનાનો ચેઇન અને ૪૨-૪૩ હજાર જેટલા રોકડ રકમ લૂંટી ગયા હતા. હુમલાનો ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે ‘આ દેવાયત ખવડ સહિતના શખ્સોએ કરેલા હુમલાથી મારા હાથ-પગમાં ફ્રેકચર થઈ ગયું છે. સનાથલમાં ડાયરા બાદ થયેલા વિવાદના કારણે આ હુમલો થયો છે. આ અંગેની ફરિયાદ કરી છે.’ આમ, વિવાદમાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ યુવાન પર કરેલા હુમલાથી રાજ્યભરમાં ચર્ચા વ્યાપી હતી.
બનાવસ્થળ નજીક સીસીટીવીમાં દેખાયેલી બે કારનું આગળનું લોકેશન મેળવાશે
તાલાલા પીઆઈ જે.એન. ગઢવીએ જણાવ્યું હતું કે, દેવાયત ખવડ અને તેના માણસો હોવાની વિગતો મળતા પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બનાવ સ્થળથી પ૦૦ મીટર દૂર આવેલા સીએનજી પંપના સીસીટીવી કેમેરા ચેક કરતા કાળા કલરની બે મોટરકાર તાલાલા તરફ આવતી હોવાનું જોવા મળે છે. તાલાલાથી આગળનુ લોકેશન મેળવવા વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
યુવાનને ઇન્સ્ટાગ્રામ પર ગીરમાં ન આવવા મેસેજ પણ આવ્યો હતો
ધુ્રવરાજસિંહે જણાવ્યું હતું કે ગઇકાલે પોતે ભાવનગર હતો ત્યારે કોઈ અન્ય શખ્સે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. તેને આ યુવાને ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે પોતાની દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.