Bharuch News : કફ સીરપની બોટલમાં કોડેઇનની હાજરી જણાતા જંબુસર પોલીસે મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જુલાઈ મહિના દરમ્યાન જંબુસર પોલીસને બાતમી મળી હતી કે, જંબુસર એસટી ડેપો સર્કલથી સેન્ટર પ્લાઝા સર્કલ તરફના માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક પાસે જંબુસર ભાગલી વાડ ચોરા પાસે રહેતો માહિર ઐયુબ ઉર્ફે દેડકી મલેક રીક્ષામાં નશાકારક કફ સીરપ વેચી રહ્યો છે. પોલીસે દરોડો પાડી રિક્ષામાંથી સોયેબ ઉર્ફે ધડકન ગુલામ રસુલ મલેક , આદિલ ઉર્ફે દલાલ સિકંદરભાઈ શેખ, સોકત ઉર્ફે સાહિલ સાજીદ ખલીફા અને માહિર અયુબ મલેક (તમામ રહે-જંબુસર ગામ) ને ઝડપી પાડ્યા હતા. આરોપીએ આ કફ સીરપની બોટલો આમોદના દલાલ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી હોવાની કબુલાત કરી હતી. આ અંગે જંબુસર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી નમુના પૃથ્થકરણ અર્થે ગાંધીનગર મોકલી આપ્યા હતા. જેમાં કોડેઇન માત્રા સામે આવી હતી. જેથી પોલીસે મેડિકલ સ્ટોરના વેપારી સહિત પાંચેય શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.