– રાજીનામુ આપનાર ભાજપની 5 સહિત 6 મહિલા સભ્યોનો હોબાળો
– ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને બે મહિલા સભ્યોએ લાફા મારતા સભામાં અફડાતફડી : સરકારી કામમાં રૂકાવટ કરતા કાર્યવાહી
આણંદ : ખંભાત પાલિકાની શુક્રવારે સભા મળી હતી. જેમાં અગાઉ રાજીનામુ અપી દેનાર છ મહિલા સભ્યોએ પ્રવેશ કરી હોબાળો મચાવ્યો હતો. રજીસ્ટરમાં સહી કરવાને લઈ હોબાળો મચાવ્યો હતો. ત્યારે ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને બે મહિલા સભ્યોએ લાફા મારતા સભામાં અફડાતફડી મચી ગઈ હતી. સરકારી કામમાં રૂકાવટ ઉભી કરતા છ પૂર્વ કાઉન્સિલર વિરૂદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
ખંભાત નગરપાલિકા અવારનવાર વિવાદોને લઈ ચર્ચામાં રહી છે. થોડા સમય પૂર્વે ખંભાત પાલિકાના ભાજપના છ અને બે અપક્ષના મળી કુલ આઠ કાઉન્સિલરોએ બંધ કવરમાં ચીફ ઓફિસરને રાજીનામા આપ્યા હતા. જેને લઇ રાજકીય ગરમાવો વ્યાપ્યો હતો. દરમિયાન શુક્રવારે સાંજના સુમારે ખંભાત નગરપાલિકાના પ્રમુખે ખાસ સાધારણ સભા બોલાવી હતી. આ સભામાં રાજીનામાં આપનારા સભ્યો પૈકી ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઇ સોલંકી, નિશાદબાનુ સોયેબભાઈ મન્સૂરી, કામિનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબેન કરસનભાઈ ભીલ અને શાંતીબેન ભુપતભાઈ માછી હાજર રહ્યા હતા. દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ ઓએસ ચેતનકુમાર સોની સાથે આ છ પૂર્વ મહિલા કાઉન્સિલરોએ જબરજસ્તીથી રજીસ્ટરમાં સહી કરવા માટે ખેંચતાણ શરૂ કરી દીધી હતી. બાદમાં ભારે ગરમા-ગરમી વચ્ચે ઉષાબેન અને તેજલબેને ઓએસને લાફા મારી દીધા હતા. બાદમાં રજીસ્ટર ખેંચી લઈ તમામે તેમાં સહી કરી હતી. આમ સરકારી કામમાં રૂકાવટ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી આ અંગે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર કૃણાલ જસભાઈ પટેલે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાલિકાની ખાસ સામાન્ય સભામાં બખેડો કરનારા છ પૂર્વ મહિલા સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ભાજપના ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઈ સોલંકી, નિશાદબાનુ સાયેબભાઈ મન્સુરી, કામિનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબન કરશનભાઈ ભીલ જ્યારે અપક્ષના શાંતિબેન ભુપતભાઈ માછી વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.