– ઉત્તરાખંડ પછી હવે જમ્મુ-કાશ્મીરમાં ભીષણ પૂર સહિતની કુદરતી આપત્તિએ વિનાશ વેર્યો, 220 લાપતા
– મચૈલ માતાના મંદિરની યાત્રા માટે હજારો શ્રદ્ધાળુઓ ચિશોટી ગામ પહોંચ્યા હતા, લંગર માટેના ટેન્ટ, વાહનો પૂરમાં તણાયા
– હિમાચલમાં પૂર, ભૂસ્ખલનથી ભારે તારાજી, 400 માર્ગ બંધ, સેંકડો મકાનો-વાહનોને નુકસાન
જમ્મુ : ચોમાસાની ઋતુ હિમાલયના પર્વતોમાં કુદરતી આપત્તીઓની વણઝાર લઈને આવે છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા સર્જાયેલા વિનાશ પછી બચાવ અભિયાન હજુ ચાલુ છે ત્યાં હવે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોટી ગામમાં વાદળ ફાટતાં આવેલા પૂરથી ૪૪ લોકોનાં મોત થયા છે. ૨૨૦થી વધુ લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે જ્યારે ૧૭૦ લોકોને બચાવાયા છે. આ દુર્ઘટના હિમાલય સ્થિત મચૈલ માતાના મંદિરની વાર્ષિક યાત્રા દરમિયાન ચિશોટી વિસ્તારમાં થઈ હતી. બચાવ અને રાહત કામગીરી માટે ટૂકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં અંતરિયાળ પાડર વિસ્તારના ચિશોટી ગામમાં ગુરુવારે વાદળ ફાટતા ભારે પૂર આવતા સીઆઈએસએફના બે જવાનો સહિત ૫૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. જમ્મુ-કાશ્મીરમાં મચૈલ માતા મંદિર તરફના માર્ગતમાં વાહન લઈ જઈ શકાય તેવા અંતિમ ગામ ચિશોટીમાં બપોરે ૧૨.૦૦થી ૧.૦૦ વચ્ચે વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી.
મચૈલ માતાની ૨૫ જુલાઈથી શરૂ થયેલી વાર્ષિક યાત્રા માટે હજારો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા. આ યાત્રા ૫ સપ્ટેમ્બરે પૂરી થાય છે.૯,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા મચૈલ માતાના મંદિરનો ૮.૫ કિ.મી. લાંબી યાત્રાની શરૂઆત ચોશિટી ગામથી થાય છે. ચિશોટી ગામમાં લંગર માટે લગાવાયેલા અનેક ટેન્ટ, વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ કિશ્તવાડના નાયબ કમિશનર પંકજ કુમાર શર્મા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, આર્મી અને સ્થાનિક લોકો પણ મોટાપાયે બચાવ કાર્યમાં જોડાયા છે. આર્મીની વ્હાઈટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે, લોકોના જીવ બચાવવા અને બચી ગયેલા લોકોને સહાય પહોંચાડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. વાદળ ફાટતા પૂર આવ્યું ત્યારે લંગર શ્રદ્ધાળુઓથી ભરેલું હતું. આ દુર્ઘટનામાં હજુ અનેક લોકો લાપતા છે, જેમને શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે જ્યારે અનેક લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા છે. તેમને પણ સલામત જગ્યાએ ખસાડવાની કામગીરી ચાલી રહી છે.
દરમિયાન હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં પણ આભ ફાટવા અને પૂરના કારણે વ્યાપકસ્તરે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આપત્તિઓના કારણે રાજ્યમાં ૩૯૬થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ઘરો, વાહનોને નુકસાન થયું છે. શિમલામાં અનેક ગામો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. જોકે, જાનહાનીના કોઈ સમાચાર નથી. રાજ્યમાં બુધવાર રાતથી અનેક વિસ્તારોમાં ૫૦થી લઈને ૧૦૦ મીમી સુધીનો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની સ્થાનિક કચેરીએ ૨૦ ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની યલો એલર્ટ જાહેર કરી છે. શિમલા, કુલ્લુ, કિન્નૌર અને લાહૌલ સ્પિતિમાં કેટલાક સ્થળો પર વાદળ ફાટવા અને પૂરની ઘટનાઓ બની હતી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ગુરુવારે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આથી કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.કેટલીક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. કાલકાજીમાં એક વૃક્ષ પડી જતાં સુધીર કુમારનું મોત નીપજ્યું હતું જ્યારે તેમની પુત્ર પ્રિયાને ગંભીર ઈજાઓ થઈ હતી.