– ખેડા જિલ્લા ખાણ- ખનીજ વિભાગ દ્વારા
– રૂા. 2.75 કરોડનો મુદ્દામાલ જપ્ત : માતર તાલુકાના વાહન માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ
નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકાના મહેલજ ભાઠા વિસ્તારમાં રાતે ગેરકાયદે માટીનું ખનન અને વહન કરતા ૭ વાહનોને ખાણ- ખનીજ વિભાગે ઝડપી પાડયા છે. ચાર ડમ્પર અને ત્રણ જેસીબી સહિત રૂા. ૨.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે માતર પોલીસ સ્ટેશનમાં રખાયો છે.
માતર તાલુકાના મહેલજ ભાઠા વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ત્યારે ખેડા જિલ્લા ખાણ-ખનીજ વિભાગે રાત્રિના ત્રણ વાગ્યે દરોડો પાડી સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન કરતા વાહનોને ઝડપી પાડયા હતા.
સવારે ૭ વાગ્યા સુધી ચાલેલા ઓપરેશનમાં ચાર ડમ્પર અને ત્રણ જેસીબી મશીન સહિત રૂા. ૨.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ કાર્યવાહી હાથ ધરવા તમામ જપ્ત થયેલા વાહનોને માતર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
જપ્ત થયેલા વાહનોના માલિકો માતર તાલુકાના જ છે. જેસીબી મશીનોના માલિકોમાં મહેશભાઈ હરજીભાઈ મુંઢવા (રહે. ત્રાજ), વિરમભાઈ હરજીભાઈ સરૈયા (રહે. બરોડા) અને રણછોડભાઈ રતાભાઈ ભરવાડ (રહે. કોસીયલ)નો સમાવેશ થાય છે. જ્યારે જપ્ત થયેલા ડમ્પરોના માલિકોમાં ભરતભાઈ દાનુભાઈ લામકા (રહે. ગરમાળા), બાબુભાઈ દાનુભાઈ લામકા (રહે. ગરમાળા), મુકેશભાઈ હિરાભાઈ ભરવાડ (રહે. ત્રાજ) અને મહેશભાઈ હરજીભાઈ મુંઢવા (રહે. ત્રાજ) છે. દરોડાથી ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.