Rain in Saurashtra: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મંગળવાર (19મી ઓગસ્ટ) માંગરોળમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ગુજરાતના 82 તાલુકામાં ધોધમાર વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત
આજે આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (19મી ઓગસ્ટ)ના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ ઍલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.