– અંગત અદાવતમાં હત્યાના અનુમાન વચ્ચે 4 ટીમોની તપાસ શરૂ
– બાકરોલ ગામના તળાવે વોકિંગ કરવા ગયેલા ઈકબાલ ઉર્ફે બાલાને ગળા અને પેટમાં ઘા મારી અજાણ્યા શખ્સો પલાયન
આણંદ : આણંદ પાલિકાના વોર્ડ નં.-૧ના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો યુસુફ મલેકની આણંદના બાકરોલ ગામે તળાવના વોકિંગ ટ્રેક ઉપર આજે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. વહેલી સવારે તળાવે વોકિંગ કરવા ગયા હતા ત્યારે હત્યાને અંજામ આપી હત્યારાઓ પલાયન થઈ ગયા હતા. અંગત અદાવતના કારણે હત્યા કરાઈ હોવાના પ્રાથમિક અનુમાન વચ્ચે પોલીસની ૪ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૧ના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો યુસુફ મિયા મલેક (રહે. બાકરોલ) આજે સવારના સુમારે તેઓના નિત્યક્રમ મુજબ બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલા બાકરોલના ગોયા તળાવ ખાતે મોર્નિંગ વૉક કરવા માટે ટુવ્હીલર લઈને નીકળ્યા હતા. ગોયા તળાવના વોકિંગ ટ્રેક ઉપર તે વોકિંગ કરતા હતા ત્યારે અચાનક અજાણ્યા શખ્સો તેઓની પાસે આવી ચડયા હતા. ઈકબાલ મલેક સાથે કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ ઝઘડો કર્યા બાદ ઝપાઝપી કરી હતી. દરમિયાન ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણ કરતા અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઈકબાલ મલેક ઉર્ફે બાલા ઉપર હુમલો કર્યો હતો. પેટ તથા ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા ઈકબાલ મલેક ત્યાં જ ફસડાઈ પડયા હતા. વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેઓનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા, વિદ્યાનગર પોલીસ, આણંદ એલસીબી સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ઇરફાન હુસેન મલેકે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આણંદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની વહેલી સવારે થયેલી હત્યા અંગેની વાત વહેતી થતા લોકોના ટોળા તળાવ નજીક ઉમટયા હતા. જમીનની લે-વેચ કરતા ઈકબાલ મલેક ઉર્ફે બાલાની અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટના સ્થળેથી ચપ્પલની જોડ મળી : રેકી કરી હત્યાનું અનુમાન
આણંદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો મલેકની વોકિંગ ટ્રેક ઉપર જે સ્થળે ઘાતકી હત્યા થઈ ત્યાંથી બિનવારસી હાલતમાં એક ચપ્પલની જોડ પણ મળી આવી છે. પોલીસે ચપ્પલ કબજે લઈ એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પૂર્વઆયોજિત કાવતરું હોવાની આશંકા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઈકબાલ ઉર્ફે બાલાની શખ્સો દ્વારા રેકી પણ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હત્યાના ગુનામાં ઉમરેઠના સુરેલીના બે શખ્સોની અમદાવાદથી ધરપકડ
પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ કરી તપાસ કરતા ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના બે શખ્સોના નામ ખૂલ્યા હતા. જેમાં ફૈઝલ ઇલ્યાસ હુસેન મલેક (ઉં.વ.૨૩) અને અયાન અલ્તાફભાઈ મલેક (ઉં.વ.૨૦)ના લોકેશન ટ્રેસ કરતા અમદાવાદનું લોકેશન જાણવા મળ્યું હતું. એલસીબી તથા વિદ્યાનગર પોલીસે અમદાવાદ પોલીસના સંકલનમાં રહી બંને યુવકોને ઝડપી પાડયા હતા. આણંદ પોલીસની ટીમ બંનેને લેવા માટે અમદાવાદ ખાતે રવાના થઈ હતી. આણંદ લાવ્યા બાદ બંનેની વધુ પૂછપરછ કરાશે અને અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ધોરી નસ કપાઈ, આંતરડા બહાર આવી જતા સ્થળ પર જ મૃત્યુ : તબીબો
કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃતક ઈકબાલ ઉર્ફે બાલાના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા આંતરડા બહાર આવી ગયા હતા. ગળાના ભાગે પણ ઘા મારી દેતા ધોરી નસ કપાઈ જવાના કારણે વ્યાપક પ્રમાણમાં લોહી વહી જતા મૃત્યુ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.