Uttar Pradesh Jalalabad Renamed: ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ હવે ‘પરશુરામપુરી’ નામથી ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. આ મામલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કેન્દ્ર સરકાર સમક્ષ જલાલાબાદનું નામ બદલવાની માગ કરી હતી.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 27 જુન, 2025ના રોજ ઉત્તર પ્રદેશની સરકાર તરફથી જલાલાબાદનું નામ બદલવા માટે એક પત્રવ મોકલવામાં આવ્યો હતો. ભારત સરકારે શહેર ‘જલાલાબાદ’નું નામ બદલી ‘પરશુરામપુરી’ કરવા પર કોઈ સમસ્યા નથી.
જોડણી માટે અપાઈ ભલામણ
પત્રમાં આગળ જણાવ્યું છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તરફથી મળેલા 14.08.2025ના પત્ર નંબર SM/28/35/2025ની એક નકલ સંબંધિત છે, જેમાં નવા નામની જોડણી દેવનાગરી અને રોમન લિપિમાં લખવાની ભલામણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારને દેવનાગરી (હિન્દી), રોમન (અંગ્રેજી) અને પ્રાદેશિક ભાષાઓમાં નવા નામની જોડણી માટે જરૂરી ગેઝેટ સૂચના જારી કરવા વિનંતી છે. જલાલાબાદનું નામ બદલવા માટે ઉત્તર પ્રદેશના પીલીભીતના લોકસભા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત જલાલાબાદનું નામ બદલીને ‘પરશુરામપુરી’ કરવાની મંજૂરી આપવા બદલ ગૃહમંત્રીનો હૃદયપૂર્વક આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હૃદયપૂર્વક આભાર, વંદન અને અભિનંદન. તમારા માર્ગદર્શન અને નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર સનાતની સમાજને ગર્વની ક્ષણ મળી છે. ભગવાન પરશુરામજીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન! તમારી કૃપાથી જ હું આ પુણ્ય કાર્યનું માધ્યમ બની શક્યો. તમારા આશીર્વાદ સમગ્ર વિશ્વ પર રહે.’