સવારે બહાર ગયેલા નાગરિકોએ ધરાર વરસાદી સ્નાન કરવું પડયું : અચાનક વરસીને અદ્રશ્ય થતા મેઘરાજા: પશ્ચિમ શહેરમાં 4.25 ઈંચ, પૂર્વ અને મધ્યમાં દોઢ ઈંચ અને તાલુકામાં અઢી ઈંચ વરસાદ
રાજકોટ, : રાજકોટમાં સાતમ આઠમની રજાઓ બાદ આજે કચેરીઓ,સ્કૂલ-કોલેજો,યાર્ડમાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ રહ્યો હતો ત્યાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ગાજવીજ અને તીવ્ર પવન સાથે સવારે 10થી 2 વાગ્યા સુધીમાં વેસ્ટઝોનમાં ધોધમાર 4.25 ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરંતુ, ભારે વરસાદ બાદ થોડા સમયમાં જ તડકો નીકળતા અને રાત્રિ સુધી વરસાદનો વિરામ રહેતા લોકોને આશ્ચર્ય થયું હતું.
ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર વેસ્ટઝોનમાં નિર્મલા રોડ પર 107 મિ.મિ.વરસાદ નોંધાયો છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ઢેબરરોડ પર અને ઈસ્ટઝોનમાં બેડીપરા પાસે 38 મિ.મિ.(દોઢ ઈંચ) વરસાદ નોંધાયો છે. તો રેસકોર્સ પાસે હવામાન કચેરીમાં પણ દોઢ ઈંચ અને સ્ટેટ કંટ્રોલમાં રાજકોટ તાલુકાનો અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે તાપમાન ગગડયું હતું અને મહત્તમ 28.5 સે.તાપમાને ટાઢક પ્રસરી ગઈ હતી.
કેટલાક દિવસોથી વરસાદના એકંદર વિરામના પગલે આજે સવારે કામકાજ, નોકરી-ધંધા,ભણવા માટે બહાર નીકળેલા ઘણા નાગરિકોએ ધરાર વરસાદી પાણીથી સ્નાન કરવું પડયું હતું તો માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના પગલે અધુરા રિપેર થયેલા જર્જરિત માર્ગો વધુ ભંગાર બનતા વાહનચાલકોની હાલાકી વધી છે.