– મિશન દિવ્યાસ્ત્ર નામથી અગ્નિ-૫નું અસાધારણ પરીક્ષણ
– ડીઆરડીઓએ બનાવેલી અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા આઠ હજાર કિ.મી. : ચીન અને યુરોપ ભારતની રેન્જમાં
– આકાશમાં જ મિસાઈલને 90 ડિગ્રીનો ટર્ન આપી શકવાની ટેકનિક વિકસાવનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બન્યો
નવી દિલ્હી : ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને વિકસાવેલી અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલનું લેટેસ્ટ પરીક્ષણ અસાધરણ રહ્યું હતું. અગ્નિ-૫ના નવા વેરિઅન્ટની ક્ષમતા ઘણી વિકસી ગઈ છે. તેમાં ૨ ટન સુધીની સામગ્રી લોડ કરી શકાશે. આ મિસાઈલનું વજન ૫૦ ટન છે અને તેની મારક ક્ષમતા પણ તીવ્ર બની છે.
અગ્નિ-૫ના નવા વેરિઅન્ટનું પરીક્ષણ થયું તેનાથી દુનિયા આશ્વર્યમાં પડી ગઈ છે. ભારતની સ્વદેશી ડીફેન્સ ટેકનિક કેટલી આધુનિક છે તેનો પુરાવો દુનિયાને એ વાતે મળ્યો હતો કે અગ્નિ-૫ મિસાઈલે પરીક્ષણ વખતે શાર્પ ૯૦ ડિગ્રીનો ટર્ન લીધો હતો. મિસાઈલ આકાશમાં હોય ત્યારે આટલો ટર્ન લેવો એ અસાધરણ બાબત છે. એવી ટેકનિક વિકસાવવામાં ડીઆરડીઓને સફળતા મળી છે એ પણ અસામાન્ય બાબત છે અને ભારત ડીફેન્સ રીસર્ચની બાબતમાં ખૂબ આગળ વધી ગયું છે એનો પુરાવો છે.
શાર્પ ટર્ન લેવાની ક્ષમતાના કારણે ફરક એટલો આવશે કે અચાનક નિશાન ચેન્જ કરવું હશે તો એ કરી શકાશે. દુશ્મનના સંભવિત ખતરાથી મિસાઈલને બચાવવી પડે ત્યારે દિશા ફંટાવવાની જરૂર પડે તો એ પણ શક્ય બનશે. દુશ્મનની ઘાત ટાળીને આ મિસાઈલ વળતો પ્રહાર કરી શકશે. સામાન્ય રીતે મિસાઈલમાં આટલો ટર્ન લેવાનો થાય તો તૂટી પડવાનો ભય રહે છે. ભલભલાં ડીફેન્સ સાયન્ટિસ્ટ્સ માટે આ કામ અઘરું છે, પરંતુ ડીઆરડીઓના સાયન્ટિસ્ટ્સે આ અશક્ય લાગતું કામ શક્ય બનાવ્યું છે.
અગ્નિ-૫ના નવા વેરિઅન્ટની મારક ક્ષમતા વધીને ૮૦૦૦ કિલોમીટર થઈ જતાં હવે ચીનનો છેક ઉત્તરી હિસ્સો અને યુરોપના ઘણાં દેશો સુધી આ મિસાઈલથી હુમલો કરી શકાય છે. અગ્નિ-૫ ત્રણ લેયરની ઈંધણ ટેકનિકથી ચાલે છે. ૨૯,૪૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે નિશાન ભેદી શકે છે. મિશન દિવ્યાસ્ત્ર નામથી આ અભૂતપૂર્વ પરીક્ષણ કરાયું હતું. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન પછી આ ટેકનિક વિકસાવનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બન્યો છે.