– ભારતમાં હવે મેડ ઈન ઈન્ડિયા ૬જી પર કામ થઈ રહ્યું છે
– વિદેશી સહયોગનો મુખ્ય હેતુ આધુનિક સબમરીનના ઉત્પાદનમાં સ્વદેશી ક્ષમતા વધારવાનો છે
– ભારતે છેલ્લા 11 વર્ષમાં 60થી વધુ અવકાશ મિશન પૂરા કર્યા, આ વર્ષે સ્પેસ ડોકિંગની ક્ષમતા હાંસલ કરી લેવાશે
નવી દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સેમીકન્ડક્ટર એક એવું ઈલેક્ટ્રોનિક પાર્ટ છે જે મોબાઈલથી લઈને ઈલેક્ટ્રિક વ્હિકલ સહિત અનેક સાધનોમાં લાગે છે. સેમીકન્ડક્ટરના મહત્વને ધ્યામાં રાખતા ભારતે આ દિશામાં કામ શરૂ કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ બજારમાં આવી જશે. એટલું જ નહીં ભારતે મેડ ઈન ઈન્ડિયા ૫-જીને સમગ્ર દેશમાં તિવ્ર ગતિએ પહોંચાડયું છે અને હવે સરકાર ૬-જી પર કામ કરી રહી છે.
ભારતમાં સેમીકન્ડક્ટર અંગેની ફેક્ટરીઓ બનવા લાગી, દુનિયાના ૧૦૦ દેશોમાં ભારતમાંથી ઈલેક્ટ્રિક વ્હિકલ નિકાસ થાય ઃ કેન્દ્ર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત નાના મોટા સુધારા નહીં પરંતુ ક્વાન્ટમ જમ્પ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે સેમીકન્ડક્ટર બનાવવાની શરૂઆત ૫૦-૬૦ વર્ષ પહેલા જ કરવાની જરૂર હતી. પરંતુ પાછલી સરકારોની વિચારસરણી ચૂંટણી રાજકારણ સુધી મર્યાદિત હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતમાં સેમીકન્ડક્ટર અંગેની ફેક્ટરીઓ બનવા લાગી છે. આ વર્ષના અંત સુધીમાં ભારતની પહેલી મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચીપ બજારમાં આવી જશે.
કેન્દ્ર સરકારે સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે રૂ. ૬૫,૦૦૦ કરોડનું ભંડોળ બનાવ્યું હતું, જેમાંથી ૬૨,૯૦૦ કરોડની ફાળવણી થઈ ચૂકી છે. રૂ. ૭૬,૦૦૦ કરોડના સેમીકન્ડક્ટર મિશનમાં ચીપના ઉત્પાદન સાથે મોહાલીમાં લેબ મોડર્નાઈઝેશન અને ડિઝાઈન ઈનોવેશન પણ સામેલ છે. ભારતમાં બનેલા ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં થઈ રહી છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત નાના-મોટા ફેરફારોના બદલે ક્વાન્ટમ જમ્પના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ દેશની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા ૧૧ વર્ષમાં ૬૦થી વધુ અવકાશ મિશન પૂરા કર્યા છે. આ વર્ષે સ્પેસ ડોકિંગની ક્ષમતા હાંસલ કરી લેવાશે. ગગનયાન મિશનની તૈયારીઓ પણ ચાલી રહી છે, જે ભારતીયને અવકાશય યાત્રીઓને અવકાશમાં મોકલશે.
તાજેતરના સમયમાં સમાચાર હતા કે એસએન્ડપી ગ્લોબલ રેટિંગે લગભગ બે દાયકા પછી ભારતની ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું છે. આ અપગ્રેડેશન ભારતની પોતાની તાકાતના કારણે સમગ્ર દુનિયામાં આશાનું કિરણ છે. વૈશ્વિક સંદર્ભમાં જોઈએ તો ભારતના અર્થતંત્રની મજબૂતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત નજીકના સમયમાં દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે.
તેમણે ઉમેર્યું કે, ભારત વૈશ્વિક અર્થતંત્રને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત ૨૦ ટકા જેટલું યોગદાન આપી શકે છે.