Uttar Pradesh Accident News : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત કેમ સર્જાયો?
બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યાનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો કાસગંજથી જાહરવીર(ગોગાજી)ના દર્શને ગોગામેડી રાજસ્થાન જઈ રહ્યા હતા. એ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. બુલંદશહેર ગ્રામીણ એસ.પી. ડૉ. તેજવીર સિંહે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે ઘટાલ ગામ નજીક એક ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી બેફામ આવતી કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.