Rekha Jhunjhunwala: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા શુક્રવારે સ્વીકારી લેવાયેલા ‘ઓનલાઈન ગેમિંગ બિલ 2025’એ તમામ રિયલ-મની ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કાયદાને લીધે ‘નઝારા ટેક્નોલોજીસ લિમિટેડ’ દ્વારા સંચાલિત ડ્રીમ11, વિનઝો અને પોકરબાઝી જેવા પ્લેટફોર્મે તેમનો બિઝનેસ બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે ગેમિંગ ક્ષેત્રના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ બિલ રજૂ થાય એ પહેલા જ રેખા ઝુનઝુનવાલા નઝારા ટેક્નોલોજીસમાંથી તેમનો હિસ્સો વેચીને મોટા આર્થિક નુકસાનમાંથી બચી જવામાં સફળ રહ્યા છે.
સમયસર લીધેલા નિર્ણયથી આબાદ બચી ગયા
દેશના જાણીતા ઈન્વેસ્ટર રેખા ઝુનઝુનવાલાએ જૂન મહિનામાં નઝારા ટેક્નોલોજીસમાં તેમનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો હતો. આ કારણસર હાલમાં લાગુ થયેલા ઓનલાઈન ગેમિંગ બિલના કારણે શેરોમાં થયેલા ભારે ઘટાડાથી તેઓ બચી ગયા છે. સમયસર લેવાયેલા આ નિર્ણયથી તેઓ રૂ. 334 કરોડના નુકસાનથી આબાદ બચી ગયા છે કારણ કે, નઝારા ટેક્નોલોજીસના શેરોમાં છેલ્લા એક જ સપ્તાહમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે.
રેખા ઝુનઝુનવાલાનો હિસ્સો કેટલો હતો?
રેખા ઝુનઝુનવાલા પાસે નઝારા ટેક્નોલોજીસમાં માર્ચ મહિનામાં 7.06% હિસ્સો હતો, જે 61.8 લાખ શેરની સમકક્ષ હતો. 13 જૂનના રોજ તેમણે તેમનો સંપૂર્ણ હિસ્સો (BSE પર 13 લાખ શેર અને NSE પર 14.2 લાખ શેર) પ્રતિ શેર લગભગ રૂ. 1,225ની સરેરાશ કિંમતે વેચી દીધો. આ વ્યવહારનું કુલ મૂલ્ય લગભગ રૂ. 334 કરોડ હતું.
પારિવારિક જોડાણનો અંત આણ્યો
આ સોદો સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા અને નઝારા કંપનીના જોડાણના અંતનું પ્રતીક હતું. એક સમયે નઝારામાં તેઓ 10.82% હિસ્સો ધરાવતા હતા. જો કે, રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પછી આ હિસ્સો તેમના પત્નીને વારસામાં મળ્યો હતો.
આ પણ વાંચોઃ દિવાળી નહીં દશેરા પહેલાં જ GSTમાં રાહતની શક્યતા, સરકારને થશે રૂ.40 હજાર કરોડનું નુકસાન
ગેમિંગ બિલ પછીની બજાર સ્થિતિ કેવી છે?
ગેમિંગ બિલની મંજૂરી પછી નઝારાના શેરોમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 17.58% અને છેલ્લા એક મહિનામાં 19%થી વધુનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે શેર 4.13% ઘટીને 1,155.75 રૂપિયા પર બંધ થયા હતા, જે અગાઉના સત્રમાં રૂ. 1,205.60 હતા.
અન્ય રોકાણકારોની સ્થિતિ શું છે?
ગેમિંગ ક્ષેત્રે પ્રવર્તતી અનિશ્ચિતતાઓ છતાં ઘણાં અગ્રણી રોકાણકારોએ તેમનો હિસ્સો જાળવી રાખવાનું પસંદ કર્યું છે. રોકાણકાર મધુસુદન કેલા 10.96 લાખ શેર (1.18%) ધરાવે છે, જ્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ ‘કામથ એસોસિએટ્સ’ દ્વારા 15.04 લાખ શેર (1.62%) ધરાવે છે.
રેખા ઝુનઝુનવાલા અબજોનું રોકાણ ધરાવે છે
આંકડા મુજબ, રેખા ઝુનઝુનવાલા ભારતના અગ્રણી રોકાણકારોમાંના એક છે. 25 કંપનીમાં જાહેર કરાયેલો તેમનો હિસ્સો લગભગ રૂ. 38,918 કરોડ જેટલો થવા જાય છે.
નઝારાનું લાંબા ગાળાનું પ્રદર્શન સારું
હાલ નોંધાયેલા ઘટાડા છતાં નઝારાના શેરોએ લાંબા ગાળાનું મહદ્અંશે મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં 37%થી વધુ અને છેલ્લા એક વર્ષમાં લગભગ 22%નો વૃદ્ધિ દર નોંધાયો છે, જે કંપનીની મૂળભૂત મજબૂતાઈને દર્શાવે છે.