– શહેર કોંગ્રેસે વિવિધ પ્રશ્ને તબીબી અધિક્ષકને રજૂઆત કરી
– સ્ટ્રેચરના વ્હિલ તુટેલા, ડાયાલિસિસના મશીનો બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી
ભાવનગર : ભાવનગરની સૌથી મોટી સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પ્રશ્ને આજે શહેર કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ ખાતે જઈ દર્દીઓની મુશ્કેલી જાણી હતી અને આ બાબતે તબીબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.
ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં છેલ્લા થોડાં દિવસોથી ડાયાલિસિસના મશીનો બંધ હોવાની, સ્ટ્રેચરો તુટેલા હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી હોવાનું ધ્યાને આવતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સર ટી. હોસ્પિટલમાં રૂબરૂ જઈ દર્દીઓની મુશ્કેલી જાણી હતી. જેમાં હોસ્પિટલમાં સ્ટ્રેચરો તુટેલી હાલતમાં હતા. એકલા આવેલા દર્દીઓની મદદ માટે પટ્ટાવાળા સાથે નહોતા. તેમજ સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલના સાતમાં માળે પાણી પડતું હોવાનું અને પીએમએસએસવાય અંતર્ગત મંજુર થયેલી ભરતી નહી થતી હોવાના પ્રશ્નો જાણવા મળ્યા હતા. જે મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા તબીબી અધિક્ષકને આ પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સર ટી.હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, દર્દીઓને પડી રહેલી હાલાકીના પ્રશ્નો મુદ્દે રજૂઆત મળી છે. આ તમામ પ્રશ્નોના વહેલીતકે નિરાકરણ આવે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.