અમદાવાદ,મંગળવાર,26
ઓગસ્ટ,2025
ધરોઈ અને સંત સરોવરમાં થયેલી પાણીની આવકના પગલે૨૫ અને ૨૬
ઓગસ્ટ સુધીમાં સાબરમતી નદીમાં એક લાખ કયુસેક કરતા વધુ પાણી છોડવામાં આવ્યુ હતુ.દરમિયાન નદીમાં આવેલા નવા
નીરની આડાશમાં કેમિકલ માફીયાઓ દ્વારા ટ્રીટ કર્યા વગરના પાણી છોડયા હતા. છેલ્લા
ચાર દિવસથી બેરોક ટોક નદીમાં કેમિકલયુકત પાણી છોડાતા હોવા છતાં મ્યુનિસિપલ
કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મૌન સેવી આંખ આડા કાન કરાઈ
રહયા છે.
૨૫ ઓગસ્ટે રાતના ૧૧ કલાકે સંત સરોવર હેઠવાસમાંથી ૮૭૩૪૩
કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.સિંચાઈ વિભાગ દ્વારા પાણીના જથ્થામાં વધારો
થવાની સંભાવના વ્યકત કરી હતી.એ સમયે વાસણા બેરેજના ૨૭ ગેટ ફ્રી ફલો ખોલવામાં આવ્યા
હતા.૨૬ ઓગસ્ટે બપોરે ત્રણ કલાકે સાબરમતી
નદીમાં સંત સરોવર હેઠવાસમાંથી ૯૬૨૩૪ કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.જેમાં વધારો
થવાની શકયતા અમદાવાદ સિંચાઈ વિભાગ દ્વારા
વ્યકત કરાઈ હતી.દરમિયાન આ તકનો લાભ લઈ વટવા ઉપરાંત નારોલ,નરોડા,બહેરામપુરા
સહીતની તમામ ફેકટરીઓના પાણી નદીમાં ટ્રીટ કર્યા વગર છોડાતા નદીમાં આવેલા પાણી અને
કેમિકલયુકત પાણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવા મળતો હતો.ગુજરાત હાઈકોર્ટની વારંવારની
ટકોર પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની નજર સામે નદીમાં કેમિકલયુકત પાણી
છોડાઈ રહયા હોવા છતાં સત્તાધીશો પણ આ અંગે જવાબદાર અધિકારીઓ પાસે કોઈ પ્રકારનો
ખુલાસો માંગી રહયા નથી.નદીમાં આવેલા આઠ ડિસ્ચાર્જ આઉટલેટમાંથી ટ્રીટ કર્યા વગર
છોડાઈ રહેલા પાણીને અટકાવવા કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
એકબીજાને ખો આપતા હોય એવી સ્થિતિ છે.
નારાયણ ઘાટ,બાકરોલ
સુધીના વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા
સાબરમતી નદીમાં ધરોઈ અને સંતસરોવરમાંથી થયેલી પાણીની મબલખ આવકના
કારણે નારણઘાટ સહીતના અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત મળતી
વિગત અનુસાર બાકરોલમાં આવેલા ખેતરોમા પણ નદીના પાણી ફરી વળ્યા હતા.
સ્થિતિ જોયા પછી લોઅર પ્રોમિનાડ ખોલવા નિર્ણય કરાશે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ લોઅર પ્રોમિનાડ નદીમાં પાણીની
ધરખમ આવકના કારણે ત્રણ દિવસથી લોકો માટે બંધ કરાયો છે.સ્થિતિની સમીક્ષા કરાયા પછી બુધવારે
લોઅર પ્રોમિનાડ ખુલ્લો મુકવો કે કેમ એ અંગે નિર્ણય કરાશે.