– હત્યામાં વપરાયેલા હથિયારો અંતે પોલીસને મળ્યાં
– મુખ્ય હત્યારો ફૈઝલ મલેક વારંવાર બાકરોલ આવતો હોવાથી પ્રેમપ્રકરણ હત્યાનું કારણ હોવાની પણ આશંકા
આણંદ : આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યા બાબતે બાકરોલ ગામમાં તરેહ તરેહ પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. હત્યાના બનાવના એક સપ્તાહ બાદ પોલીસે મર્ડર વેપનો નડિયાદના પીપલગ નજીકથી પસાર થતી નહેરમાંથી શોધી કાઢયા છે પરંતુ, હત્યા કર્યા બાદ બંને હત્યારાઓ અમદાવાદના જુહાપુરા શા માટે ગયા? અન્ય કોઈની આ હત્યામાં સંડોવણી છે કે કેમ? તે પ્રશ્નો વણઉકલ્યા રહ્યા છે.
ઉમરેઠ નજીકના સુરેલી ગામે રહેતા ફૈઝલ મલેકે તા. ૧૯મી ઓગસ્ટે સાથી મિત્ર ઐયાન મલેકની મદદગારીથી આણંદ પાસેના બાકરોલ ગામે ગોયા તળાવના વોકિંગ ટ્રેક ખાતે વહેલી સવારે ચાલવા નીકળેલા આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો મલેકની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદના જુહાપુરા ખાતેથી ફૈઝલ મલેક અને ઐયાન મલેકને ઝડપી પાડયા હતા.
આ બનાવમાં મુખ્ય સૂત્રધાર ફૈઝલ મલેકને લગભગ અઢી વર્ષ પૂર્વે ઈકબાલ મલેકે માર મારી જાહેરમાં જુલુસ કાઢયું હોવાથી તેની અદાવતમાં ફૈઝલ મલેકે અઢી વર્ષ બાદ ઈકબાલ ઉર્ફે બાલા મલેકની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસની આ થીયરી હજી સુધી કેટલાકના ગળે ઉતરતી નથી. બાકરોલ ગામમાં ચર્ચાતી વાતો મુજબ, સમગ્ર હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોઈ શકે છે. ફૈઝલ મલેક અવારનવાર બાકરોલ ગામે આવતો હતો અને તે વાતની ખબર ઈકબાલ મલેકને થતા બંને વચ્ચે તકરાર પણ થતી હતી. હત્યાના બનાવના લગભગ સપ્તાહ પૂર્વે આ જ પ્રકારે ફૈઝલ મલેક બાકરોલ ગામે આવતા ઈકબાલ મલેકને આ વાતની જાણ થતા બંને વચ્ચે તકરાર થઈ હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે. અવારનવારની તકરારને લઈ ફૈઝલ મલેકે ઈકબાલ મલેકનો કાંટો કાઢવા માટે અગાઉ ત્રણવાર સોપારી પણ આપી હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ ચોક્કસ વ્યક્તિઓને બચાવવાના પ્રયાસ કરી હત્યાના બનાવની તપાસ અલગ દિશામાં વાળવામાં આવી રહી હોવાના પણ આક્ષેપ કરાયા છે.
હત્યામાં વપરાયેલા હથિયારો પૈકી ગુપ્તી વળી ગયેલી હોવાથી તર્ક-વિતર્ક
નડિયાદના પીપલગ નજીકથી પસાર થતી નહેરમાંથી પોલીસ ગતરોજ હત્યામાં વપરાયેલો છરો અને ગુપ્તી શોધી કાઢયા હતા. જોકે ગુપ્તી વળી ગયેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે.