– કપડાં ધોવા ગઈ ત્યારે ઘટના બની
– જલાનગર અને આગરવાની સીમ વચ્ચે કેનાલમાં એસડીઆરએફ, સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ
ઠાસરા : ઠાસારાના ઢૂંડી ગામની કપડાં ધોવા ગયેલી મહિલાનો પગ લપસી જતા મહી કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી. સ્થાનિક તરવૈયા અને એસડીઆરએફની ટીમ દ્વારા મોડી સાંજે સુધી મહિલાની શોધખોળ હાથ ધરાઈ હતી.
ઠાસરા તાલુકાના ઢૂંડી ગામના વતની પુષ્પાબેન રાજેશભાઈ સોઢા પરમાર (ઉં.વ. ૩૭) આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના આસપાસ જલાનગર અને આગરવા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય મહી કેનાલમાં કપડાં ધોવા ગયા હતા.
કપડાં ધોતી વખતે પુષ્પાબહેન સોઢા પરમારનો પગ લપસી જતા બે કાંઠે વહેતી કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જલાનગર, આગરવા અને ઢૂંડી ગામમાં જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા.
સ્થાનિક તરવૈયાઓ અને એસડીઆરએફની ટીમે પાણીમાં શોધખોળ હાથ ધરી છે. ત્યારે મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.