અમદાવાદ : અમેરિકામાં આયાત થતા ભારતીય માલસામાન પર વધારાનો ૨૫ ટકા એમ કુલ ૫૦ ટકા ટેરિફ બુધવારથી અમલમાં આવ્યો છે. તેની અસર કાપડ, રત્નો અને ઝવેરાત સહિત ઘણા સ્થાનિક ઉદ્યોગો પર પડવાની ધારણા છે. આ તમામ પડકારો, અનિશ્ચિત્તાઓ અને ડરના માહોલ વચ્ચે, બાર્કલેઝ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં નોંધ્યું છે કે ટેરિફ વધારા છતાં ભારતીય કોર્પોરેટ ક્રેડિટ મજબૂત રહેશે.
બાર્કલેઝના રિપોર્ટ અનુસાર ભારતીય નિકાસ પર ટ્રેડ વેઈટેજ ટેરિફ દર વર્તમાન ૨૦.૬ ટકાથી વધીને ૩૫.૭ ટકા થશે અને ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦ ટકા ટેરિફ અમલમાં આવશે. આ દર ૨૦૨૫ની શરૂઆતમાં માત્ર ૨.૭ ટકા હતો. તેનાથી વિપરીત ભારત દ્વારા યુએસ આયાત પર લાદવામાં આવેલ ટેરિફ ૯.૪ ટકા પર રહેશે. ટ્રમ્પના આ ટેરિફ ગતકડાથી બંને દેશો વચ્ચે વેપાર અસંતુલન દાયકાઓના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
બાર્કલેઝનો અંદાજ છે કે લગભગ ૫૫ અબજ ડોલરની ભારતીય નિકાસ હવે સીધી રીતે જોખમમાં છે. આ અમેરિકામાં થતા કુલ શિપમેન્ટના લગભગ ૭૦ ટકા આસપાસ છે. ઇલેક્ટ્રિકલ મશીનરી, રત્નો અને ઝવેરાત, કાપડ અને મશીનરી પર સૌથી વધુ ટેરિફ વધારો જોવા મળશે, જ્યારે સ્માર્ટફોન, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ્સ હાલમાં અસ્થાયી રૂપે તેમાંથી મુક્ત છે.
નિકાસ પર મસમોટો આંચકો હોવા છતાં કોર્પોરેટ દેવા પર તેની અસર મર્યાદિત રહેવાની ધારણા બાર્કલેઝની છે. બાર્કલેઝ વિશ્લેષકોએ કહ્યું કે ‘ઉચ્ચ ક્વોલિટીના ધિરાણમાં તફાવત કામચલાઉ ધોરણે વધી શકે છે, પરંતુ મજબૂત કોર્પોરેટ ફંડામેન્ટલ્સ અને સ્થાનિક ભંડોળની ઉપલબ્ધતા લાંબા ગાળાના નુકસાનને મર્યાદિત કરશે.’
યુએસ ટેરિફને કારણે ભારતની નિકાસ આધારિત કંપનીઓ પર અલગ-અલગ પ્રકારના જોખમો રહેલા છે. બાયોકોન બાયોલોજિક્સની આવકનો ૪૪ ટકા હિસ્સો અમેરિકામાંથી આવે છે અને જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતો મુજબ ફાર્માસ્યુટિકલ ટેરિફ ૨૦૦ ટકા સુધી વધે તો આ કંપની મધ્યમથી ઉચ્ચ જોખમમાં મુકાશે. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલના યુએસ પ્લાન્ટો માર્જિન પર દબાણનો સામનો કરી શકે છે, જ્યારે ટાટા સ્ટીલનું જોખમ મર્યાદિત છે.