ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા પાસે હોર્ન વગાડવા બાબતે કાર અને બાઈક ચાલક વચ્ચે મારામારી મામલે રાવપુરા પોલીસે બાઈક ચાલકની ફરિયાદના આધારે કાર સવાર પિતા- પુત્ર સહિતની ત્રિપુટીની અટકાયત કરી અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ગઈકાલે રાત્રે ન્યાયમંદિર વિસ્તારમાં દૂધવાળા મહોલ્લા પાસે હોર્ન વગાડવાની નજીવી બાબતે બે કોમના ટોળા સામ સામે આવી જતા તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર દોડી જઈ પરિસ્થિતિ સંભાળી હતી. આ દરમ્યાન સ્થાનિક કાઉન્સિલર પણ સ્થળ પર દોડી ગયા હતા. બનાવ અંગે ચોખંડી વિસ્તારમાં રહેતા યશ હરીશભાઈ પટણીએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે મે બાઈક પર પત્ની સાથે ગણપતિ જોવા માટે નીકળ્યો હતો. તે વખતે રાત્રે 11 વાગ્યાની આસપાસ દૂધવાળા મહોલ્લા પાસે ટ્રાફિક હોવાથી મારી પાછળ આવી રહેલ કાર ચાલકે બે થી ત્રણ હોર્ન વગાડી મને અપશબ્દો કહ્યા હતા અને બાઈક સાઈડમાં ચલાવવા કહ્યું હતું. જેથી મે કાર ઉભી રખાવી અપશબ્દો બોલવા અંગે કહેવા જતા કાર ચાલકે ત્રણથી ચાર લાફા ઝીંકી દીધા હતા. અને કારમાં સવાર અન્ય ત્રણ લોકોએ પણ મને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સાબીર અજબભાઈ સતાવાલા (કારચાલક) , જેનુલ સાબીર સતાવાલા (બંને રહે- મ્યુઝિક કોલેજની પાછળ, રાજમહેલ રોડ) અને જાવેદ અજબભાઈ ગબલવાલા (રહે – દૂધવાળા મહોલ્લાની પાછળ, રાજમહેલ રોડ)ની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઘટનાના પગલે રાવપુરા પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યારે ફરિયાદીની બહેનનું કહેવું હતું કે, ટ્રાફિક હોવાથી મારા ભાઈએ આગળ જગ્યા થાય એટલે ખસી જાઉં છું તેવું કહેતા કારમાંથી બહાર આવેલા લોકોએ “આવો બહાર આવો” તેવી બૂમો પાડતા અન્ય 10 જેટલા લોકોએ ઘેરી લીધા હતા. સદનસીબે લોકોની અવરજવર હોવાથી મારા ભાઈનો જીવ બચ્યો છે.
…………
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ગણપતિ તથા ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમા ફ્લેગ માર્ચ યોજી હતી. પાણીગેટ, સીટી, વાડી, રાવપુરા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ રુટ પર નવા પાણીગેટ પોલીસ સ્ટેશનથી આયુર્વેદિક ત્રણ રસ્તા , પાણીગેટ દરવાજા , માંડવીથી લહેરીપુરા ,દુધવાળા મહોલ્લો થઇ શહીદ ભગતસિંહ ચોક સુધી ફુટ પેટ્રોલીંગ કર્યું હતું.