જેની કોઈ ઓકાત નથી એ દુકાનો ખોલી બેસી ગયા : ભલામણપત્ર આપનાર અમુક ધારાસભ્ય-આગેવાનોને ઊચ્ચ કક્ષાએથી ખખડાવાયા : હવે પૈસા પરત મેળવવા અધિકારીનું દબાણ
જૂનાગઢ, : ભાજપના રાજમાં નેતાઓ પણ હવે બદલી બઢતી કરાવવા માટે દુકાનો ખોલી બેસી ગયા છે. તાજેતરમાં કેશોદ તાલુકા કક્ષાના એક નેતાએ જૂનાગઢમાં એક આઈપીએસનાં પોસ્ટિંગ માટે ઉચ્ચકક્ષાએ લોબીઈંગ કરાવવા અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી ભલામણપત્ર લઇ સરકારમાં લોબીઈંગ કરાવ્યુ હતું. આથી ઉચ્ચકક્ષાએથી લેટર આપનાર આગેવાનો-ધારાસભ્યને ખખડાવવામાં આવ્યા હતા. હવે અધિકારીએ આ ઉગતા નેતાને તતડાવી પોતે આપેલા પૈસા પરત કઢાવવા દબાણ શરૂ કર્યું છે એવી બાબત ચર્ચાનો વિષય બની છે.
તાજેતરમાં રાજયના મોટાભાગના પોલીસ અધિક્ષકની બદલીઓ થઈ હતી. હજુ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી આગામી સમયમાં થવાની તજવીજ ચાલી રહી છે. આ સમયે કેશોદના તાલુકા કક્ષાના ભાજપના એક નેતાએ એક સિનિયર આઈપીએસ અધિકારીની જૂનાગઢ બદલી કરવા માટે સ્થાનિક નેતાઓનું લોબિંગ કરાવી આપવા કહી અધિકારી પાસેથી મોટી રકમ લીધી હતી. આ નેતાએ અમુક ધારાસભ્ય અને અન્ય આગેવાનો પાસેથી આ અધિકારીની જૂનાગઢ નિમણૂક માટેનો ભલામણ પત્ર પણ મેળવી લીધો હતો. અન્ય ધારાસભ્ય અને આગેવાનોને અંગેની ગંધ આવી જતા તેમણે લેટર આપ્યો ન હતો અને આ બાબતથી અંતર રાખ્યું હતું. ભલામણ માટેના પત્ર સરકારમાં પહોંચતા ઉચ્ચકક્ષાએથી જેણે લેટર આપ્યો હતો તેને એમ કહીને ખખડાવવામાં આવ્યા હતા કે, ‘સિનિયર અધિકારીની બદલી કરવાની તો અમારી પણ તેવડ નથી, એ તો કેન્દ્રીય મંત્રી નક્કી કરે છે અને તમે એની બદલી માટેના લેટર આપ્યા છે.’ આ બાબત સરકારની છે અને સરકાર તેનું કામ કરશે તેથી આવી બાબતમાં ન પડવું તેમ જણાવી બરાબરના તતડાવાયા હતા.
આ ઘટના બાદ આઇપીએસ અધિકારીએ હવે આ રકમ લેનાર નેતાને ખખડાવી જે પૈસા આપ્યા છે તે પરત કઢાવવા માટે દબાણ શરૂ કર્યું છે. આમ, ભાજપના રાજમાં કોઈ કોન્સ્ટેબલની બદલી કરાવવાની પણ જેની ઓકાત નથી એવા કેટલાક લોકો પણ નેતાઓ બની સિનિયર અધિકારીઓની બદલી કરાવવાની દુકાનો ખોલી બેસી ગયા હોવાની બાબત રાજકીય લોકો અને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.
એક નેતાએ તો અધિકારી સાથે વાત કરી ભવિષ્યની ગોઠવણ કરી નાખી
જુનાગઢ, : IPS પાસેથી રકમ લેનાર આ નેતા અન્ય આગેવાન પાસે ભલામણપત્ર લેવા ગયો ત્યારે એક આગેવાને અધિકારી સાથે વાત કરાવવા આગ્રહ રાખ્યો હતો આથી તેની સાથે વાત પણ કરાવવામાં આવી હતી. આ ભલામણપત્રના બદલામાં ભવિષ્યમાં પોતાને જે રાજકીય હુસાતુસી ચાલે છે તેનું ભવિષ્યમાં ધ્યાન રાખવા અને રાજકીય હરીફનો દાવ લેવા અંગેની ભલામણ કરી દીધી હતી. હજુ ભેંસ ભાગોળે ને છાશ વાગોળે એ મુજબની સ્થિતિ હતી છતાં આવી રાજકીય કિન્નાખોરી દાખવવા અત્યારથી ગોઠવણનો પ્રયાસ કર્યો હતો.