Ahmedabad News : ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી શિક્ષણ અને રોજગાર માટે હજારો લોકો અમદાવાદ સહિતના સ્થળો આવતા હોય છે, જેઓ મોટાભાગે પેઇંગ ગેસ્ટ(PG)માં રહેવાનું પસંદ કરે છે, ત્યારે અમદાવાદમાં PG રહેતા લોકોને એક નવા પડકારનો સામનો કરવો રહ્યો છે. જેમાં PG સંચાલકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચે કાનૂની સંઘર્ષ શરુ થયો છે, ત્યારે AMC દ્વારા માગવામાં આવેલા વધારાના દસ્તાવેજોને લઈને 131 જેટલાં PG સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ઑથોરિટી કાગળિયા માગે એ યોગ્ય છે અને નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં 131થી વધુ PG સંચાલકોએ AMC દ્વારા જારી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP)ને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. SOPમાં PG સેવાઓ શરુ કરતાં પહેલા સહકારી હાઉસિંગ સોસાયટીઓ પાસેથી પરવાનગી મેળવવા જણાવ્યું છે. જ્યારે PG સંચાલકોનું કહેવું છે કે, તેમના દ્વારા પોલીસ વેરિફિકેશન સહિત જરૂરી એગ્રીમેન્ટની પ્રક્રિયા પણ કરી લીધી છે. તેમ છતાં AMC દ્વારા ફાયર, પોલીસ અને સોસાયટીની NOC સહિતના ડૉક્યુમેન્ટ માગવામાં આવી રહ્યા છે.
હાઇકોર્ટની સુનાવણીમાં શું થયું?
ઍડ્વોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, કેટલાક PG માલિકોને AMC તરફથી નોટિસ મળી છે, જે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ(GDCR)ની વિરુદ્ધ છે. AMCના SOP મુજબ, PC ઓપરેટરોને સોસાયટી તરફથી NOC સાથે ફાયર, પોલીસ, એસ્ટેટ વિભાગની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. પંચાલે દલીલ કરી હતી કે સોસાયટીની મંજૂરી GDCRની વિરુદ્ધ છે. કોર્ટેનું કહેવું છે કે, જો તમારી પાસે સોસાયટીની મંજૂરી સહિતના યોગ્ય દસ્તાવેજો ન હોય, તો તમને પીજી ચલાવવાની પરવાનગી નથી.
આ પણ વાંચો: બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ્નો
હાઇકોર્ટનું કહેવું છે કે, ઑથોરિટી ડૉક્યુમેન્ટ જોવા માગે એ યોગ્ય છે. જ્યારે કો-ઓપરેટિવ સોસાયટીના બાયલોઝમાં PGની મંજૂરી ન હોય તો કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. તેમજ જો GDCR મુજબ હોસ્ટેલ ચાલતી હોય તો અરજદાર AMCની નોટિસનો જવાબ આપે.