– ફોર્મ પરત ખેંચવા માટે સમજાવટ છતાં મામલો થાળે ના પડયો
– આણંદ બેઠકમાં પિયુષભાઈ રાજ, ભરતભાઈ સોલંકી અને પેટલાદમાં રશ્મિબેન જાદવે અપક્ષમાં ફોર્મ ભરતા પક્ષમાંથી બરતરફ
આણંદ : અમૂલ ડેરીની તા. ૧૦મીએ યોજાનારી ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર રસાકસીભર્યો જંગ ખેલાશે. આણંદ અને પેટલાદ બેઠક પર ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ત્રણ કાર્યકરોએ ઉમેદવારી કરતા પક્ષના સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે.
અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર ભાજપે મેન્ડેટ આપતા અમૂલના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે આણંદ બેઠક પર ભાજપના જૂના અને પીઢ કાર્યકરો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષભાઈ જીતસિંહ રાજ (અડાસ) અને ભરતભાઈ ચંદુભાઈ સોલંકી (ખાંધલી)એ અપક્ષમાં ફોર્મ ભર્યા હતા. પેટલાદ બેઠક ઉપર ભાજપના મેન્ડેટ પર બીનાબેન પટેલ સામે ભાજપના જ રશ્મિબેન દિલીપભાઈ જાદવ (સિહોલ)એ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. આણંદ જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારીપત્ર પાછા ખેંચવા મીટિંગોનો દોર યોજી સમજાવવામાં આવવા છતાં બળવાખોર ત્રણ ઉમેદવારો માન્યા ન હતા. અમૂલ ડેરીની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી નિયમનો ભંગ કરવા બદલ પિયુષભાઈ જીતસિંહ રાજ, ભરતભાઈ સોલંકી અને રશ્મિબેન જાદવને ભાજપે પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે.
સભ્યપદેથી બે ક્ષત્રિયોને બરતરફ કરાતા સમાજમાં નારાજગી
અમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ દ્વારા આણંદ બેઠકમાં બે ક્ષત્રિય ઉમેદવારોને સભ્યપદેથી બરતરફ કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે. તેની અસર ચૂંટણીમાં પણ વર્તાય તેવી શક્યતા છે.