Amreli banana farmers: “ખેડૂતોની આવક બમણી કરીશું” – આ સરકારી દાવાઓ વચ્ચે અમરેલી જિલ્લાના કેળા ઉત્પાદક ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે. એક તરફ કેળાના પાક પાછળ પ્રતિ વીઘા રૂ. 50,000 થી રૂ. 60,000 જેટલો ખર્ચ થાય છે, તો બીજી તરફ મહેનતના ફળ રૂપે તેમને ફક્ત રૂ. 1 પ્રતિ કિલોગ્રામનો ભાવ મળી રહ્યો છે. આ ભયંકર વિસંગતતાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જળબંબાકાર: 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
‘…ત્યાર પછી પણ પોષણક્ષમ ભાવ મળતા નથી’
અમરેલીના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં આશરે 150 થી 200 વીઘા જમીનમાં કેળાની ખેતી થાય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેળાના એક રોપાનો ભાવ રૂ. 17 જેટલો છે. આ ઉપરાંત મોંઘા ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ પણ ઘણો વધારે છે. આટલી મહેનત અને મોટા ખર્ચ પછી પણ જ્યારે પાક તૈયાર થાય છે, ત્યારે તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી.
આ જ કેળા બજારમાં 50 થી 60 રુ. પ્રતિ ડઝનના ભાવે વેચાય
છ થી સાત મહિનાની અથાક મહેનત પછી પણ પાક બગડી જવાની બીકે ખેડૂતોને પોતાના કેળા ફક્ત રૂ. 1 પ્રતિ કિલોના ભાવે વેચવા મજબૂર થવું પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જે કેળા ખેડૂત પાસેથી એક રૂપિયે ખરીદાય છે, તે જ કેળા બજારમાં રૂ. 50 થી રૂ. 60 પ્રતિ ડઝનના ભાવે વેચાય છે. ખેડૂતો અને વેચાણકર્તા વચ્ચેનો આ ભાવ તફાવત 50 ગણો વધી જાય છે, જેમાં પરસેવો પાડનાર ખેડૂતને કંઈ મળતું નથી, જ્યારે કમિશન એજન્ટો બેઠા બેઠા મોટી કમાણી કરે છે.
આ પણ વાંચો: બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત
‘સરકારનો આવક બમણી કરવાનો દાવો સાવ ખોટો સાબિત થયો’
ખેડૂત શૈલેષભાઈ શેલડીયા, નૈમિષ ઠાકર, અને ભાવેશ ચંદગઢીયા જેવા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે, અને માંગ કરી છે કે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવે અને કમિશન એજન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્નદાતાઓને બચાવી શકાય. ખેડૂતોએ જણાવ્યું કે સરકારનો આવક બમણી કરવાનો દાવો સાવ ખોટો સાબિત થયો છે, કારણ કે આજે તેમને સિંગલ આવક પણ મળતી નથી. આશા છે કે સરકાર આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય પગલાં ભરી ખેડૂતોને ન્યાય આપશે.