Ahmedabad News : આ વર્ષે ચોમાસાના આરંભથી 70 દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા 12 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ તમામના મોત પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કોઈ કારણ નથી. કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં આટલી મોટી સંખ્યામા કોઈ એક વર્ષના ચોમાસામા મોત થયા હોય એવુ નજીકના વર્ષોમાં ધ્યાનમાં આવ્યુ નથી. કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં નિર્દોષોના મોત છતાં સત્તાધીશો અધિકારીઓની જવાબદારી નકકી કરીને તેમની સામે કાર્યવાહી કરવામા પણ પોણીયા પુરવાર થયા છે.
દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી પણ વધુની રકમનો ખર્ચ શહેરમાં રસ્તાઓ રીસરફેસ કરવા કે નવા બનાવવા પાછળ કોર્પોરેશન દ્વારા કરવામા આવતો હોય છે.આમ છતાં શહેરના રસ્તાઓની પરિસ્થિતિ ગામડાઓ કરતા પણ વધુ ખરાબ જોવા મળી રહી છે. એક તરફ શહેરના અનેક રસ્તાઓ ઉબડખાબડ છે.
બીજી તરફ કોર્પોરેશન તરફથી નાંખવામા આવેલા વીજ થાભંલાની લાઈટો મોટાભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળે છે. આવી હાલતમાં કોઈપણ રોડ ઉપર વાહન લઈને નીકળનારા વાહન ચાલકને ખુબ સાવચેતી અને સતર્કતાથી વાહન ચલાવવાની નોબત આવી પડે છે.કોર્પોરેશનના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી રહયુ છે કે, કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના ભોગ લેવાતા હોય તેમ છતાં પણ સત્તા પક્ષ તરફથી એક પણ હોદ્દેદાર કોઈ પ્રતિક્રીયા આપી શકવાની સ્થિતિમા નથી.
તો આ સાથે જ જે તે બનાવ સંદર્ભમાં તપાસ કમિટી બનાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરાતી નથી.અમદાવાદના 70 લાખથી વધુ નાગરિકો પાસેથી આ જ લોકો પાંચ મહીના પછી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવશે એ સમયે મતની ભીખ માંગવા હાથ જોડતા જશે. હાલ તો દરેક અમદાવાદનો નાગરિક ભગવાન ભરોસે રોડ ઉપરથી પસાર થતો હોય એવી અનુભૂતિ વ્યકત કરી રહયો છે.
આ બનાવોમાં નિર્દોષ લોકોના મોત નિપજયાં
1. 16 જુન-2025 : ઘી-કાંટા વિસ્તારમાં આવેલી દુધવાળી પોળ પાસેથી વરસાદના સમયે પસાર થતા જશરાજ જગદીશ ગોહીલને મ્યુનિસિપલ કોર્પોરેશને લગાવેલા વીજ થાંભલાના ખુલ્લા વાયરોથી કરંટ લાગતા મોત થયુ હતુ.
2. 19 જુન-2025 : નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં બિમાર જીતુભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા 108 બોલાવાઈ હતી.ભરાયેલા વરસાદી પાણીને લઈ એમબ્યુલન્સ પહોંચી નહી શકતા તેમને સાયકલ રેંકડીની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા.જયાં સારવાર દરમિયાન મોત થયુ હતુ.
3. 30 જુન-2025: ઓઢવ અંબિકાનગર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં તણાતા મનુભાઈ પિતાંબરદાસ પંચાલ તણાઈ જતા ફાયર વિભાગે 200 ફુટ અંદર જઈ દોરડાની મદદથી તેમનો મૃતદેહ બહાર કાઢયો હતો.
4. 23 જુલાઈ-2025 : ખોખરા સ્મશાનગૃહના નવીનીકરણની કામગીરી દરમિયાન ખાડામા ભરાયેલા પાણીનો તાગ મેળવવા ઉતરેલા ચાંદખેડામા રહેતા દીપક રાધેશ્યામ સેવતાનુ મોત .
5. રાણીપના બલોલનગરમાં સિમેન્ટ રોડ ઉપરથી પસાર થતા બાઈક ઉપર જઈ રહેલા બે વ્યકિત પૈકી પાછળ બેઠેલ વ્યકિતનુ પડી જવાથી મોત .
6. જમાલપુરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક વ્યકિતને 30 ફુટ સુધી ઘસડી જતા મોત.
7. જશોદાનગર ખાતે ગેરકાયદે બાંધકામના ડિમોલીશન સમયે આત્મવિલોપન કરવાથી મહીલાનુ મોત.
8. સરખેજના શકરી તળાવમાં લીલ કાઢવાની બોટ લઈ જનારા ત્રણ કિશોરના મોત
9. મટનગલી,નારોલમાં વરસાદી પાણીમાં મોપેડ ઉપર પસાર થતા દંપતિને વીજ કરંટ લાગતા મોત.