– નડિયાદમાં ધર્મ પરિવર્તનના કાવતરાનો પર્દાફાશઃ
– ગરીબ આદિવાસીઓને લોભ-લાલચ આપી બ્રેઇનવોશ કરવાના આરોપ લાગ્યા : હિન્દુ સંગઠનોની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : નડિયાદ શહેરમાં ધર્મ પરિવર્તનનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ગરીબ અને નિરક્ષર આદિવાસી સમાજના લોકોને ટાર્ગેટ કરીને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. ત્યારે રહી છે. અત્યાર સુધી આ પ્રવૃત્તિઓ દક્ષિણ ગુજરાતમાં જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ હવે દાહોદ-પંચમહાલ વિસ્તારના આદિવાસીઓને લોભ-લાલચ આપી, હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવી બ્રેઇનવોશ કરવાનું કાવતરું નડિયાદમાં બહાર આવ્યું છે.
નડિયાદના ડભાણ રોડ પર આવેલા ત્રિમૂત કોમ્પ્લેક્સમાં થોડા દિવસ અગાઉ આશરે ૧૦૦થી ૧૫૦ આદિવાસી યુવક-યુવતીઓને ભેગા કરી ધામક કાર્યક્રમોના નામે બ્રેઇનવોશ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. આ પ્રવૃત્તિ ઈશાઈ ધર્મ પ્રચારક સ્ટીવન ભાનુભાઈ મેકવાન અને સ્મિતુલ ફિલિપભાઈ મહિડા દ્વારા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હિન્દુ સંગઠનોને આ અંગેની માહિતી મળતાં તેમણે સ્થળ પર પહોંચી મામલાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઘટના બાદ નડિયાદ મિશન રોડ પર રામ તલાવડી વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં ધર્માંતરણનું વધુ એક કાવતરું ચાલી રહ્યું હોવાની માહિતી હિન્દુ સંગઠનને મળી હતી. આ જગ્યાએ દાહોદ, ફતેપુરા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના આશરે ૫૦ જેટલા યુવક-યુવતીઓ અને સાતથી આઠ જેટલા સગીરોને બોલાવી ગેરકાયદે છાપરામાં આશરો આપી ધર્મ પરિવર્તનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ લોકોને લોભ-લાલચ આપી તેમજ હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવી બ્રેઇનવોશ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું.
આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ અને ડીવાયએસપી જાણ કરાઈ હતી.
શરૂઆતમાં પોલીસે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હોવાના આક્ષેપો થયા હતા, પરંતુ સંગઠનો દ્વારા ઉપલા સ્તરે રજૂઆત કરવામાં આવતા પોલીસ કાર્યવાહી કરવા માટે મજબૂર બની હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે તમામ લોકોના નિવેદનો લઈ ગુજરાત ધર્મ સ્વાતંર્ત્ય અધિનિયમની કલમ ૪(૧) અને ૪(૨) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વિદેશથી ફંડિગ થતુ હોવાની પણ આશંકા
આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો વિદેશથી ફંડિંગ મેળવી રહ્યા છે. નડિયાદમાં ૧૦૦ થી વધુ લોકો ફક્ત ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિમાં જ લાગેલા છે અને તેમને ક્રિસમસ, ગુડ ફ્રાઇડે જેવા તહેવારોમાં વિશેષ ફંડિંગ આપવામાં આવે છે. આ ઘટનાથી પોલીસની નિષ્ક્રિયતા અને એલઆઈબી વિભાગની નિષ્ફળતા પર સવાલો ઉભા થયા છે, કારણ કે અગાઉ પણ આવા બનાવો બન્યા હોવા છતાં કડક કાર્યવાહીના અભાવે આ પ્રવૃત્તિઓ દક્ષિણ ગુજરાતથી હવે દાહોદ-પંચમહાલ વિસ્તાર સુધી ફેલાઈ છે.
નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છેઃ ડીવાએસપી
આ મામલે ડીવાયએસપી વી.આર. બાજપાઈએ જણાવ્યું કે, હાલમાં સેમિનારના આયોજકો સ્ટીવન મેકવાન અને સ્મિત મેકવાન, તેમજ બહારથી આવેલા યુવક-યુવતીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આયોજકોએ પ્રાથમિક પૂછપરછમાં ધામક શિક્ષણ અને પ્રચારનો હેતુ હોવાનું જણાવ્યું છે, જ્યારે ફરિયાદી આકાશ પટેલે પ્રલોભન આપી ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ખરેખર ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે કે કેમ તે બાબત હજી અસ્પષ્ટ છે અને આ દિશામાં તપાસ ચાલી રહી છે.