![]()
– 15 કરોડના રોડનું 20 ટકા કામ કરવામાં ઠાગાઠૈયા
– બજારના મુખ્ય સરદાર પટેલ માર્ગનું કામ બે વર્ષથી ટલ્લે ચઢ્યું : સમસ્યા ત્વરિત દૂર નહીં તો આંદોલનની ચિમકી
સેવાલિયા : સેવાલિયા મહીસાગર બ્રિજથી એક્સપ્રેસ-વેને જોડતા રોડનું આશરે ૧૫ કરોડના ટેન્ડરથી કામ વિમલ કન્સ્ટ્રક્શન એજન્સીને આપવામાં આવ્યું હતું. રોડનું કામ ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ સેવાલિયા બજારના મુખ્ય સરદાર પટેલ માર્ગનું ૨૦ ટકા કામ હજૂ બાકી છે. ત્યારે સેવાલિયા બજારનો માર્ગ ખાડાંના કારણે બિસ્માર બન્યો છે. રસ્તાનું કામ પણ બે વર્ષથી ટલ્લે ચઢ્યું હોવાથી હાલાકી ભોગવી રહેલા વેપારીઓએ આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
સેવાલિયાના વેપારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સેવાલિયા બજારમાંથી પસાર થતો મુખ્ય સરદાર પટેલ માર્ગનું બે વર્ષથી કામ ખોરંભે પડયું છે. ત્યારે મોટા ખાડાંથી બિસ્માર બજારના મુખ્ય રોડ ઉપર દિવસમાં બેથી ત્રણ વાહન ચાલકો પડવાના બનાવો બની રહ્યા છે. સતત ધૂળ ઉડવાના કારણે સ્થાનિકો રહીશો સહિત વેપારીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચી રહી છે.
બિસ્માર રોડ જીવલેણ સાબિત થવાનો ભય છે. હાલમાં ખેડા અને પંચમહાલને જોડતા મહીસાગર બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી બે મહિના સુધી બંધ રહેવાની સંભાવના છે. ત્યારે ગોધરા તરફથી તમામ વાહનો સેવાલિયા બજારમાં થઈને પસાર થાય છે. પરિણામે સરદાર પટેલ માર્ગ ઉપર ટ્રાફિક વધી જવાના કારણે ખાડાંનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે મુખ્ય માર્ગ ઉપર સતત ટ્રાફિક અને ખાડાંના લીધે દુર્ઘટનાની સંભાવના છે. ત્યારે રસ્તાના કામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજૂ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.
ત્યારે બજારમાંથી પસાર થતા મુખ્ય માર્ગનું કામ ત્વરિત શરૂ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી વેપારીઓએ ઉચ્ચારી છે.
કોર્ટ મેટર અને દબાણોના કારણે રોડનું કામ અટક્યું : માર્ગ અને મકાન વિભાગ
આ બાબતે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્ર ઝાલાનો સંપર્ક કરતા તેમણે ફોન નહીં ઉપાડી સંપર્ક કરવાનું ટાળ્યું હતું. બાદમાં વિભાગના એસઓ હેમંત બિલવાલે જણાવ્યું હતું કે, એક તરફ કોર્ટ મેટર છે, બીજી તરફ દબાણ દૂર થતા નથી. જેના પરિણામે બજારનું કામ અટકેલું પડયું છે.










