ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
કુબેરનગરના વૃદ્ધ બાઈક લઈને માણસા સાઇટ ઉપર જતા હતા તે સમયે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે આજે પ્રેસ સર્કલ પાસે સવારના સમયે બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધને અડફેટે લઈ
અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે
વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.
ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં
ગાંધીનગરમાં સેક્ટર ૩૦થી પ્રેસ સર્કલ તરફના માર્ગ ઉપર વધુ એક હીટ એન્ડ રનની
ઘટનામાં અમદાવાદના કુબેરનગર ખાતે રહેતા વૃદ્ધનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે
મળતી વિગતો પ્રમાણે કુબેરનગર ખાતે આવેલી ભાર્ગવ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ
હરજીવનદાસ પટેલ મૂળ વિજાપુરના વતની છે અને માણસા ખાતે આવેલી સાઈટ ઉપર કામ કરતા
હતા. રોજ તેઓ તેમનું બાઈક લઈને અમદાવાદથી નીકળીને માણસા જતા હતા ત્યારે આજે સેક્ટર
૩૦ સર્કલથી પ્રેસ સર્કલ તરફ તેમનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન
અજાણ્યો વાહન ચાલક તેમના બાઇકને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનામાં
વિષ્ણુભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી
આવ્યા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા
હતા પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ અકસ્માતની
આ ઘટના અંગે તેમના ભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા વાહન ચાલકને
શોધવા માટે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે.