ચોટીલા
ડેપ્યુટી કલેકટરના ચેકિંગમાં ક્ષતિઓ સામે આવી
ચેકિંગમાં
બહારથી ડોક્ટર બોલાવી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં
ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થતો હોવાની ફરિયાદો ઉઠતા ચોટીલા ડેપ્યુટી કલેકટરે થાનની શેઠ
દિપચંદ ગોપાલજી સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરતા બહારથી ડોક્ટર બોલાવી
હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે સોનોગ્રાફી મશીન
સીલ કરી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થાન
શહેરમાં આવેલી શેઠ દિપચંદ ગોપાલજી સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું
હોવાની ફરિયાદો ઉઠતાં ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમે ચેકિંગ હાથ
ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં ફોર્મ-બીમાં ક્યાંથી
ક્યાં સુધી વેલીડીટી છે તેનું કોલમ ખાલી હતું, હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં
આવ્યા નહોતા, સંચાલક દ્વારા હોસ્પિટલના સોનોગ્રાફી મશીનમાં
એકપણ સોનોગ્રાફી કરવામાં આવી નથી તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ તપાસ કરતા
બહારથી સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડોક્ટરને બોલાવી સોનોગ્રાફી મશીનમાં
પાંચ દર્દીની સોનોગ્રાફી થઈ હોવાનું અને તે પૈકી બે દર્દીના ફોર્મમાં પણ ચેકચાક
કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ શીશુની જાતિ પરિક્ષણ ઉપર પ્રતિબંધ અંગેના કોઈ
બોર્ડ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા નહોતા અને જે ગાયનેક ડોક્ટરની ફોર્મ-એફમાં સહી
કરવામાં આવી છે તેમણે ખરેખર હોસ્પિટલમાં સોનોગ્રાફી કરી છે કે કેમ તે અંગેના પણ
કોઈ આધારો રજુ કર્યા નહોતા. આ તમામ ક્ષતિઓને ધ્યાને લઈ હોસ્પિટલનું પોર્ટેબલ
સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪
કલાકમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા અલગ-અલગ બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન
સીલ કરતા ડોક્ટરો સહિત હોસ્પિટલના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.