– યુવતીને ભગાડી લાવનાર યુવકના ભાઈ તથા તેમના પિતાને નિશાન બનાવાયા
– રાજ્કોટના 7 શખ્સોએ બે કારમાં ધસી આવી માતાને ગાળો આપી, પિતા-પુત્રને માર મારી બે અલગ-અલગ કારમાંબેસાડી અપહરણ કરી લઈ ગયા
ભાવનગર : યુવતીને ભગાડી લાવવાના મુદ્દે બોટાદના ચિરોડા ગામે રહેતા રાજકોટના સાત શખ્સએ ધસી જઈ પિતા-પુત્રને માર મારી, બન્નેનું કારમાં અપહરણ કરી નાસી છૂટયા હતા. જો કે,અપહ્યત પિતા-પુત્રના પરિવારે પોલીસને જાણ કરતાં બોટાદ પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં પિતા-પુત્ર બન્નેને અપહરણકર્તાઓના સકંજામાંથી આબાદ છોડાવી એક કાર સાથે ત્રણ અપહરણકર્તાઓને ઝડપી પાડયા હતા. જો કે, ચાર અપહરણકર્તાઓ નાસી જતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના ગઢડા તાબેના ચિરોડા ગામે રહેતા વિનુબેન ઘુઘાભાઈ વણોદીયાના પુત્ર આકાશ યુવતીને ભગાડી લાવ્યો હતો.જેની દાઝ રાખી વિરમ જાગાભાઈ,રામ,દેવા,ખેંગાર, ડાયા, મોમ અને નવઘણ (રહે.તમામ રાજકોટ) નામના શખ્સો અલગ-અલગ બે કાર લઈને આજે તેમના ઘરે ધસી આવ્યા હતા.અને માતા વિનુબેન સાથે તેના પુત્ર આકાશ અને યુવતી બાબતે તકરાર કરી વિનુબેનને ગાળો આપવા લાગ્યા હતા. તેવામાં તેમના પતિ ઘુઘાભાઈ કાબાભાઈ વણોદીયા તથા તેમનો અન્ય એક પુત્ર રાહુલ ત્યાં ધસી આવ્યા હતા.જેના પર ઉક્ત સાતેય શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો.અને પિતા-પુત્ર બન્નેનું બે અલગ-અલગ કારમાં અપહરણ કર્યું હતું. અને જતાં જતાં વિનુબેનને કહેતા ગયા હતા કે યુવતીને સોંપ્યા બાદ પતિ અને પુત્રને જવામાં દેવામાં આવશે. એટલું જ નહીં, પાંચ દિવસમાં યુવતીને સોંપવામાં નહીંં આવે તો બન્નેને જીવતા નહીં રહેવા દઈએતેવી ધમકી આપી કાર લઈને તમામ અપહરણકારો નાસી છૂટયા હતા.
બનાવને લઈ વિનુબેને ગઢડા અને બોટાદ પોલીસને જાણ કરતાં પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. દરમિયાનમાં બોટાદ ટાઉન પોલીસની ટીમે શંકાના આધારે ઇકો ફોરવ્હીલ કારને અટકાવી હતી.જો કે, પોલીસને જોઈને કારમાં સવાર ત્રણ શખ્સો નાસવા જતાં પોલીસે ત્રણેયને ઝડપી પાડયા હતા.અને અપહ્યત ઘુઘાભાઇને મુક્ત કરાવ્યા હતા,પોલીસ તપાસમાં ઝડપાયેલાં ત્રણેય અપહરણકારો વીરમ જાગાભાઇ ચાવડીયા (ઉ.વ.૩૫),રામ જાગાભાઇ ચાવડીયા (ઉ.વ.૩૦ ) અને કેવા ડીરાભાઈ જામડા (ઉ.વ રર)( રહે. ત્રણેય રાજકોટ) હોવાનું ખુલ્યું હતું. જયારે, પોલીસની તપાસમાં અન્ય એક કાર કાર સાયલા તરફ ગઈ હોવાનું હોવાનું જણાતા ગઢડા પોલીસ તથા બોટાદ ટાઉન પોલીસની ટીમ આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે, અપહરણકર્તાઓ પોલીસના ભયથી પુત્ર રાહુલ ઘુઘાભાઇ વણોદીયાને સાયલા રોડ પર ઉતરી કાર લઈ નાસી છૂટયા હતા.પોલીસે ફરાર થયેલાં ચાર અપહરણકર્તાની શોધખોળ હાથ ધરી છે. જયારે, બનાવને લઈ મહિલા વિનુબેનના ફરિયાદના આધારે સાત શખ્સો વિરૂદ્ધ અપહરણ, ધમકી, માર મારવા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.