– નડિયાદની પેટલાદ રોડ પર આવેલી
– હોટલમાં ગંદકી પણ જોવા મળી : કર્મચારીઓ ગ્લોવ્ઝ કે કેપ પહેર્યા વગર કામ કરતા હતા
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા હોટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન પેટલાદ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં ચેકિંગ કરતા ખાદ્ય પદાર્થ ખુલ્લો હોવાનું તેમજ ગંદકી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને લઇ મહાનગર પાલિકા દ્વારા હોટલના માલિકને રૂ.૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી તેમજ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આજે નડિયાદ શહેરમાં આવેલી હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નડિયાદ-પેટલાદ રોડ પર ઝલક પોલીસ ચોકી સામે આવેલી ભાગ્યોદય હોટલની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ હોટલમાં ખોરાક ઢાંક્યા વગરનો ખુલ્લો જોવા મળ્યો હતો તેમજ હોટલના સ્ટાફે ગ્લોવ્ઝ કે કેપ પહેરી ન હતી. આ ઉપરાંત હોટલના કિચનમાં વેન્ટિલેશનનો અભાવ હતો તેમજ ફ્રીજનું તાપમાન યોગ્ય પ્રમાણમાં ન હતું તેમજ હોટલના કર્મચારીઓનું એક વર્ષથી મેડિકલ ચેકઅપ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું .જેથી મ.ન.પાની ટીમ દ્વારા હોટલના માલિકને રૂ.૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં મીઠાઈ તેમજ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન બેદરકારી જણાઈ આવશે તો દુકાનોને સીલ કરવા જેવા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી કોર્પોરેશન દ્વારા આપવામા આવી છે.