Supreme Court CJI: ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે નોંધવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ એક ટિપ્પણી કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠને ચીફ જસ્ટિસને સલાહ પણ આપી હતી કે, વાણી પર સંયમ રાખવો જોઈએ. આ મામલે વિવાદ વધતાં અંતે ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરવી પડી છે.
ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સ્પષ્ટતા આપી છે કે, મારૂ નિવેદન સોશિયલ મીડિયા પર ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. કોઈએ મને બીજા દિવસે જણાવ્યું કે, મારી ટિપ્પણી સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. હું તમામ ધર્મોનું સન્માન કરુ છું.
સોલિસિટર જનરલે પણ આપી સ્પષ્ટતા
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ મામલે સ્પષ્ટતા આપી છે કે, હું ચીફ જસ્ટિસ બીઆર ગવઈને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. તેઓ દરેક ધાર્મિક સ્થળની મુલાકાત લે છે, અને તમામનું આદર કરે છે. સિનિયર વકીલ કપિલ સિબ્બલ પણ ઉપસ્થિત હતા, તેમણે કહ્યું કે, આ પ્રકારની ચીજોનો સામનો આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. આ રીતે કોઈને બદનામ કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, મૂર્તિના સમારકામની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, તમારી અરજી PIL નથી, પરંતુ પ્રચાર અરજી છે. જો તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો ફરી તેમને પ્રાર્થના કરો. તેમની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જે વિવાદનું કારણ બની હતી.
આ પણ વાંચોઃ મોટા યુદ્ધની તૈયારી…? રશિયા-બેલારુસના 1 લાખ સૈનિકો એકત્ર થતાં ચર્ચાએ જોર પકડ્યું
વિશ્વ હિન્દુ પરિષદે પત્ર લખી આપી સલાહ
વિશ્વ હિન્દુ પરિષદે આ વિવાદમાં ઝંપલાવતાં ચીફ જસ્ટિસને પત્ર લખી સલાહ આપી હતી. સંગઠનના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે લખ્યું હતું કે, ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે અરજી પર સુનાવણી થઈ રહી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે મૌખિક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, મૂર્તિના સમારકામ માટે ભગવાનને જ પ્રાર્થના કરો. તમે કહો છો કે, તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો હવે તેમને જ પ્રાર્થના કરો. કોર્ટ ન્યાયનું મંદિર છે. ભારતીય સમાજની કોર્ટમાં લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણા સૌનું કર્તવ્ય છે કે, આ વિશ્વાસ જળવાઈ જ નહીં, પરંતુ વધુ મજબૂત બને.
જસ્ટિસે પણ વાણી પર સંયમ રાખવો જોઈએ
આગળ સલાહ આપી કે, આપણા સૌનું કર્તવ્ય છે કે, આપણી વાણીમાં સંયમ રાખીએ. ખાસ કરીને કોર્ટની અંદર. આ જવાબદારી કેસ લડનારાઓની પણ છે. વકીલોની પણ છે, અને ન્યાયાધીશોની પણ છે. અમને લાગે છે કે, ચીફ જસ્ટિસની મૌખિક ટિપ્પણી હિન્દુ ધર્મની આસ્થાની હાંસી ઉડાવે છે. સારૂ રહેશે કે, આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચો.