![]()
– સેવાલિયાથી પંચમહાલને જોડતા
– 50 ગામોના લોકોને15 કિ.મી.નો ફેરો : 7 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચિમકી
સેવાલિયા : સેવાલિયાથી પંચમહાલને જોડતો મહીસાગર બ્રિજ બંધ કર્યાના બે મહિના થવા છતાં હજૂ કામ પૂર્ણ થયું નથી. પરિણામે ગોઠડા, ઉદલપુર ગ્રામ પંચાયત સહિત ૫૦ ગામના લોકોને નવરાત્રિમાં પગપાળા સંઘોને ૧૫ કિ.મી.નો ફેરો કરવો પડે છે. ત્યારે ૭ દિવસમાં કામ પૂર્ણ નહીં કરાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર પ્રાંત અધિકારીને અપાયું છે.
ગોઠડા અને ઉદલપુર ગ્રામ પંચાયત તેમજ ખેડા- પંચમહાલ ક્વૉરી એસોસિએશને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, મહીસાગર બ્રિજનું કામ બે માસ માટે રિપેરિંગના હેતુથી બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પડાયું હતું. જાહેરનામું ૧૦-૯-૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલું છે પરંતુ હજુ સુધી કામ પૂર્ણ કરાયું નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજુ પણ બે માસ જેટલો સમયગાળો લાગે તેવી પરિસ્થિતિ છે. હાલમાં બ્રિજની કામગીરી બિલકુલ ગોકળગતીએ ચાલી રહી છે. પુલ શરૂ નહીં થવાના કારણે આસપાસના ૫૦ જેટલા ગામના લોકોને સેવાલિયાથી ટીંબા તરફ આવવા- જવા માટે આશરે ૧૫ કિલોમીટરનો ચક્કર લગાવો પડે છે. હાલ નવરાત્રિના કારણે પાવાગઢ તેમજ ડાકોર, અંબાજી તરફ જતા પગપાળા સંઘોને પણ ૧૫ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડે છે. અમદાવાદ- ઈન્દોર હાઇવે ઉપરથી જોખમી રીતે પસાર થવું પડે છે. આગામી નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોને કારણે બંને તરફના વેપારીઓને આથક નુકસાન સહન કરવાનો વારો આવશે. માટે તાકીદે બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી છે. સાત દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
કામ રિસ્કી હોવાથી મહિનામાં પૂર્ણ કરાશે : માર્ગ- મકાનના ડેપ્યુટી એન્જિનિયર
આ અંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્ર ઝાલાએ જણાવ્યું છે કે, કામ થોડું રિસ્કી હોવાના કારણે એક માસની અંદર પૂર્ણ કરવામાં આવશે.










