![]()
ખેડૂતોને ટેકો કહેવા પુરતો : 19 ટકા જ MSPથી ખરીદી : પ્રતિ મણ ટેકાના ભાવ રૂ।. 1453 અને માર્કેટમાં સરેરાશ રૂ।. 1100, ખેડૂતદીઠ માત્ર 70 મણ ટેકાના ભાવે ખરીદી
રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં મગફળીના રેકોર્ડબ્રેક વાવેતરના પગલે ખુદ સરકારે 66 લાખ ટનના વિક્રમજનક પાકનો અંદાજ જાહેર કર્યો છે ત્યારે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના કૃષિમંત્રી સાથે યોજેલી બેઠકમાં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે માત્ર 12,62,163 ટન મગફળી ખરીદવા મંજુરી આપતા રાજ્યના લાખો ખેડૂતોને મગફળીમાં માત્ર કહેવાપુરતો જ ટેકો મળશે જે સામે વિરોધ વંટોળની શક્યતા છે.
તાજેતરમાં મગફળી ટેકાના ભાવે વેચવા ઈચ્છુક ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાતા આશરે 9 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. તેનું કારણ એ છે કે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ સરેરાશ રૂ।. 1100 જ મળી રહ્યા છે, આજે રાજકોટ યાર્ડમાં નવી સીઝનની મગફળી રૂ।. 790થી મહત્તમ રૂ।. 1280ના ભાવે વેચાઈ હતી. આમ, પ્રતિ મણ રૂ।. 1453ના ભાવની સાપેક્ષે માર્કેટમાં રૂ।. 300 જેટલા ભાવ નીચા છે.
આ સંજોગોમાં સરકાર કૂલ ઉત્પાદનમાં પુરા પચીસ ટકાનું (16.50 લાખ ટન) નું ધોરણ પણ નહીં જાળવીને માત્ર 19 ટકા મગફળી જ ખરીદવાનો ઈરાદો જાહેર કર્યો છે. જેના પગલે લાખો ખેડૂતોએ બજારભાવ પર મદાર રાખવો પડશે અને તેમાં પણ નાના ખેડૂતો કે જેઓ મગફળી સંગ્રહી શકતા નથી તેમની હાલત કફોડી બનવાના એંધાણ છે. ખેડૂત દીઠ સરેરાશ માત્ર 70 મણ જેટલી મગફળી ખરીદ થશે. આ ઉપરાંત 1,09,905 ટન સોયાબીન (ઉત્પાદન 4.71 લાખ ટન) અને 4415 ટન મગ (ઉત્પાદન 30,000 ટન) ખરીદાશે.










